(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૩
જન્માષ્ટમીના તહેવારના એક દિવસ પહેલા જાગેલ વડોદરા મહાનગરપાલિકાના ફૂર સેફટી વિભાગ દ્વારા શહેરની ફરસાણની દુકાનો ઉપર આજે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમ્યાન સમોસા માટે બનાવવામાં આવેલ બટાકાનો અને અખાદ્ય માવાનાં જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ ફરસાણના વેપારીઓને નોટિસો પણ આપી હતી.
ફૂડ ઇન્સ્પેકટરે જણાવ્યું હતું કે, જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં લઇ શહેરના ચોખંડી અને મકરપુરા વિસ્તારમાં ફરસાણની દુકાનોમાં આજે સવારથી ચેકિં+ગ હાથ ધરવામાં આવ્યું હતું. ચોખંડી વિસ્તારમાં આવેલ ફરસાણની દુકાનમાં સમોસા બનાવવા માટે લાવવામાં આવેલ બટાકાનો માવાનો નાશ કરવામાં આવ્યો હતો. આ ફરસાણની દુકાનના સંચાલકોને હાઇજેનીક ફરસાણ વેચવા માટે શિડ્યુલ-૪ની નોટિસો આપવામાં આવી હતી. આરોગ્ય અધિકારી ડૉ.મુકેશ વૈદ્યની સૂચના અને માર્ગદર્શન હેઠળ કુલ-૩ ટીમો દ્વારા આજે સવારથી જ વિવિધ દુકાનોમાં ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં બે ટીમો ચોખંડી રોડ પર અને એક ટીમ મકરપુરા વિસ્તારમાં ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું.