(એજન્સી) મુંબઈ, તા.૩૦
શુક્રવારે થયેલ પટેલ પુલ દુર્ઘટનામાં મરનાર લોકોની સંખ્યા વધીને ર૩ થઈ ગઈ છે. ઘટના બાદ મુંબઈમાં હાજર રેલવે મંત્રી પિયુષ ગોયલે તરત જ આદેશ જાહેર કરીને મુંબઈ સ્થિત પશ્ચિમ રેલવે મુખ્યાલયમાં રેલવે બોર્ડ અને મુંબઈના બંને ઝોનના અધિકારીઓની આપાતકાલીન બેઠક બોલાવી હતી. મુંબઈ ઉપનગરીય સ્ટેશનો પર સુરક્ષા સંબંધી નિર્ણય લેવા દિલ્હી સ્થિત રેલવે બોર્ડમાં ફાઈલો ફરતી રહેતી હતી પણ હવે સુરક્ષા સંબંધી બધા નિર્ણયો લેવાનો અધિકાર હવે મહાપ્રબંધકોને રહેશે. ફુટ ઓવર પૂલ તમામ યાત્રીઓ માટે ફરજિયાત હશે. સુરક્ષા બાબતે જરૂરી એવા તમામ પગલા લઈશ. શુક્રવારે બનેલી ઘટનાનો બોધપાઠ લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રાઉન્ડ ઓપરેશન અને પ્રોજેકટને ગતિ આપવા મુખ્યાલયમાં બેઠલા ર૦૦ અધિકારીઓ હવે ફિલ્ડ સ્ટાફ તરીકે કામ કરશે.
ભારતીય રેલવેના બધા એ-૧ શ્રેણીના સ્ટેશનો પર હવે સ્ટેશન નિર્દેશક નિયુક્ત કરવામાં આવશે. જેનો હોદ્દો સ્ટેશન પ્રબંધકથી વધારે રહેશે. મુંબઈના મોટાભાગના ભીડવાળા મોટા સ્ટેશન એ-૧ શ્રેણીના છે. સુરક્ષા વધુ સખત કરવા મુંબઈથી બધી લોકલ ટ્રેનોમાં આગામી ૧પ મહિનાઓમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરાની ફુટેજ ટ્રેનનો ગાર્ડ તે જ સમયે જોઈ શકશે.