૧. ફિરોઝા ફરીદભાઈ લાખવા, ર. દિપીકા શૈલેષભાઈ ચુનારા, ૩. લલીતા સૈની (કોચ), ૪. અલ્ફિયા શકીલભાઈ અન્સારી, પ. હિના દિનેશભાઈ ડામોરઅમદાવાદ, તા.૧૦

યોગ્ય માર્ગદર્શન અને સાચો સહાયક મળી જાય તો ધૂળમાં રહેલી પ્રતિભા પણ સફળતાના શિખરો સર કરી શકે છે. આ જગતમાં આવા અનેક કિસ્સા મોજૂદ છે. આવો જ એક કિસ્સો અમદાવાદના મકરબા સ્થિત પ્રાથમિક શાળાની શ્રમજીવી પરિવારની ચાર વિદ્યાર્થિનીઓનો છે જેઓ સ્વીડનના ગોથનબર્ગ ખાતે ૧પમી જુલાઈથી શરૂ થનાર ગોથિયા કપ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જશે. તેઓ અંડર-૧૩ કેટેગરીમાં ૧પ સભ્યોની ટીમમાં સ્થાન પામી છે. તેમને આ સિદ્ધિ સુધી લઈ જવામાં તેમની મહેનતની સાથે-સાથે અભિસાર એનજીઓની કામગીરી પણ મહત્ત્વપૂર્ણ છે. અભિસાર મકરબા પ્રાથમિક સ્કૂલ સાથે સંલગ્ન રહી વિદ્યાર્થિઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. ગોથિયા કપમાં ૮૦થી વધુ દેશની ૧૦પ૦ જેટલી ટીમો ભાગ લઈ રહી છે. જેમાં અમદાવાદની ૧પ સભ્યોની ટીમ ભાગ લેશે. શ્રમજીવી પરિવારની આ ચાર દીકરીઓમાં અલ્ફિયા અન્સારીના પિતા છૂટક મજૂરી કરે છે. જ્યારે ફિરોઝા લાખવાના પિતા રીક્ષા ડ્રાઈવર છે. દીપિકા ચુનારાના પિતા ફોટોગ્રાફરના સહાયક તરીકે કામ કરે છે, જ્યારે હિના ડામોરના પિતા સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરે છે. આમ આ ચારેય દીકરીઓ શ્રમજીવી પરિવારમાંથી આવે છે. જો અભિસારનો સાથ ન મળ્યો હોત તો કદાચ આ કામ તેમના માટે સ્વપ્ન સમાન હોત. આ વિદ્યાર્થિનીઓના કોચ તરીકે લલીતા સૈની પણ ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યાં છે અને તેઓ પણ પોતાની ટીમને લઈ ખૂબ જ આશાવાદી છે.
ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહેલી વિદ્યાર્થિનીઓ ઈત્તર પ્રવૃત્તિઓની સાથે અભ્યાસમાં પણ ઉત્તમ પરિણામ લાવે છે. એ કામગીરી પણ કંઈક અંશે ‘અભિસાર’ એનજીઓને આભારી છે. આમ માત્ર એક સ્કૂલ સાથે જોડાઈ આ સંસ્થા સરકારી સહાય વગર ઉત્તમ કામગીરી કરી રહી છે. જ્યારે આપણા સાંસદો દ્વારા દત્તક લેવાયેલ અનેક ગામડાઓ કયારના ‘વિકાસ’ની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.