(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૪
મૂળ રાજસ્થાનના વતની અને કર્ણાટકમાં વેપાર કરનાર ચાર વેપારીઓએ સુરતની પાર્ટીઓ પાસેથી રૂપિયા ૬૮.૨૧ લાખની કિંમતનો માલ ખરીદી ચેકો રિટર્ન કરાવી દુકાનો બંધ કરી દઈ વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર લિંબાયત ગોડાદરા માનસરોવરમાં રહેતા કાપડ દલાલ દેવરામ અંબારામ ચૌધરીએ આરોપી ઓમપ્રકાશ કૃપારામ ચૌધરી (પ્રિતી, કવિતા અપેક્ષા સાડી કર્ણાટક) કૃપારામ પ્રેમરામજી ચૌધરી (પરાગ, પ્રીતિ સાડી, કર્ણાટક) લક્ષ્મણ જેઠારામ ચૌધરી (રાજલક્ષ્મી-બાલાજી, ધનલક્ષ્મી ટ્રેડર્સ, કર્ણાટક), પુષ્પરાજ બાબુલાલ કુમાવત (પ્રજાપતિ) (કાર્તિક ફેશનના માલિક) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી મારફતે આરોપીઓએ રૂ. ૬૮,૨૧,૧૪૮ની કિંમતનો કાપડનો જથ્થો ખરીદી આપેલા ચેકો રિટર્ન કરાવી દુકાનો બંધ કરી દઈ વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. સલાબતપુરા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.