અમદાવાદ, તા.૨૪
અમદાવાદ આરટીઓમાં તંત્રના ધાંધિયા અને બેજવાબદાર વલણના કારણે નિર્દોષ વાહનચાલકો અને નાગરિકો હેરાન-પરેશાન થઇ રહ્યા છે. આરટીઓમાં ફોર વ્હીલરના ટેસ્ટ ટ્રેકમાં હજુ પણ વાહનચાલકો ગૂંચવાય છે ખાસ કરીને બોક્સ પાર્કિંગની સાઇઝ ઘટાડાતાં અને તેમાં કાર પાર્કિંગ માટેની નિશાનીનો જે લાલ કલરનો પટ્ટો છે તેમાં પણ વધ-ઘટ કરી દેવાતાં વાહનચાલકો બોક્સ પાર્કિંગમાં જ અટવાઇ જાય છે અને એમાં ભૂલ પડવાના કારણે નાપાસ થાય છે. ફોર વ્હીલરટના ટેસ્ટ ટ્રેકમાં ચાર પ્રકારના ટેસ્ટ હોય છે, તેમાં સૌથી વધુ વાહનચાલકો બોક્સ પાર્કિંગમાં જ ફેલ થાય છે. મોટાભાગના વાહનચાલકોનું કહેવું છે કે, બોક્સપાર્કિંગમાં જ સૌથી વધુ તકલીફ પડે છે, બોક્સ પાર્કિંગનો કોઠો વીંધવો સૌથી અઘરો છે. આશરે ૫૫થી ૬૦ ટકા વાહનચાલકો-નાગરિકો બોક્સ પાર્કિંગમાં નાપાસ થાય છે. તો બીજીબાજુ, ફોર વ્હીલરના લાયસન્સ માટે તાત્કાલિક તારીખો મળતી નથી અને બે મહિનાનું વેઇટીંગ બોલે છે. અમદાવાદ આરટીઓમાં રોજબરોજ લાયસન્સ, વાહન ટ્રાન્સફર સહિતની કામગીરી માટે આવતાં હજારો નાગરિકોને પડી રહેલી હાલાકી અંગે અમદાવાદ મોટર ડ્રાઇવીંગ સ્કૂલ ઓનર્સ એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ જણાવ્યું હતું કે, ફોર વ્હીલરમાં લાયસન્સ માટે તાત્કાલિક તારીખો મળતી નથી અને બે મહિનાનું વેઇટીંગ ચાલે છે. એ દરમ્યાન વાહનચાલકના કાચા લાયસન્સની મુદત પૂરી થઇ જાય એટલે તેણે ફરીથી કાચુ લાયસન્સ કઢાવવાનું, ફરીથી રીટેસ્ટની ફી ભરવાની અને ફરીથી ધક્કા અને સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થવાનું. આરટીઓ સત્તાવાળાઓ પેપર લેસ અને ઝડપી સેવાના દાવા કરે છે પરંતુ અસરકારક કે નક્કર વ્યવસ્થા તંત્ર ગોઠવાતુ નથી, તેના લીધે નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે. વાહનચાલક કે નાગરિકને ત્યાં બારી પર જ લાયસન્સ મળી જાય તેવી વ્યવસ્થા કેમ ગોઠવાતી નથી ? કોઇ નાગરિક બિચારા બહારગામથી આવ્યા હોય તેને ઓથોરીટીના બિનઆયોજનનો ભોગ બનવું પડે છે અને તે ઓરીજનલ પેપર્સ લઇને આવ્યો હોવાછતાં ધક્કા ખાવા મજબૂર બને છે. જો આવા ગામડાનો કોઇ માણસ લેભાગુ તત્વોના હાથમાં ફસાય તો બિચારો નાહકનો રૂપિયામાં ખંખેરાઇ જાય છે. ફોર વ્હીલર ટેસ્ટ ટ્રેકના દિશાસૂચક નિશાનો સમયાંતરે ભૂસાઇ જતાં હોવાછતાં તેને રીપેઇન્ટ કે દેખાય એ પ્રકારના કરાતા નથી, જેના કારણે વાહનચાલકો કે નાગરિકો ટેસ્ટ વખતે સાચી દિશા જાણી શકતા નથી અને ઘણીવાર આ કારણથી પણ ફેલ થતા હોય છે. ફોર વ્હીલર ટેસ્ટ ટ્રેકની આ પરીક્ષા પહેલી એવી પરીક્ષા છે કે જેમાં પાસ થવા માટે પૂરેપૂરા ૧૦૦ માર્કસ લાવવા પડે છે એટલે કે, ઢાળ પર કાર ઉભી રાખવી, બોક્સ પાર્કિંગ કરવું, અંગ્રેજીમાં આઠડો પાડવાનો અને રિવર્સ એસ કરવાનો એમ ચારેય ટેસ્ટમાં ફરજિયાત પાસ થવુ પડે છે. જેના કારણે ૫૫થી ૬૦ ટકા લોકો ફોર વ્હીલરના ટેસ્ટમાં ફેલ થતા હોય છે. પરંતુ જો ચારમાંથી ગમે તે એકમાં પણ મુકિત અપાય તો, વાહનચાલકો પાસ પણ થઇ શકે અને રિઝલ્ટનો રેશ્યો પણ ઉંચો આવે. પરંતુ આ બધુ આરટીઓ સત્તાવાળાઓની ઇચ્છાશકિત હોય તો જ શકય છે. આરટીઓ તંત્ર ધારે તો નાગરિકોને કોઇપણ હાલાકી વિના લાયસન્સ મળી શકે પરંતુ તે માટેનું ચોક્કસ આયોજન ગોઠવવાની જરૂર છે.