(એજન્સી) હૈદરાબાદ,તા.૧૩
ભારત સરકાર દ્વારા કરાયેલ જાહેરાત મુજબ સરકાર FRDI બિલ લાવવાની તૈયારીમાં છે. આ બિલ હેઠળ બેન્કોને ગ્રાહકોના બધી રકમોને ફિક્સ ડિપોઝિટમાં ફેરવવાનો અધિકાર મળશે. આ કાયદાને લઈ વિશેષજ્ઞો માને છે કે બેન્કોમાં જમા થયેલ રૂપિયા પર ખતરો છે. જેને લઈ હવે દેશના લોકો ફરીથી બેન્કોની બહાર ઊભા રહીને રૂપિયા નીકાળવામાં વ્યસ્ત બન્યા છે. લોકો હવે ફરીથી લાંબી લાઈનો લગાવી રહ્યા છે અને FRDIનો બિલને લઈ લોકોમાં હજી પણ ભયનો માહોલ છે. જ્યારે બેન્કો ઓથોરિટી દ્વારા ગ્રાહકોને કહેવામાં આવી રહ્યું છે કે તેમને પોતાના રૂપિયાની ચિંતા કરવાની જરૂર નથી. ગ્રાહકોના રૂપિયા ક્યાંય નહીં જાય. નાણામંત્રીએ તાજેતરમાં (FRDI) બિલ લાવવા અંગે વાત કરી હતી અને તેના ફાયદા પણ ગણાવ્યા હતા. પણ વિરોધ પક્ષોએ તેમના આ કાયદાની ટીકા કરી હતી. વિરોધ પક્ષોએ જણાવ્યું કે, સરકાર ગ્રાહકોને પૂછ્યા વગર જ લોકોને આ કાયદો લાદી દેવાયો છે. જેનાથી ગ્રાહકોના રૂપિયા ખતરામાં આવી શકે છે.
બધી વિરોધ પક્ષની પાર્ટીઓ કહે છે કે, બધી રકમને ફિક્સ ડિપોઝિટમાં ફેરવવાથી ગ્રાહકને કોર્ટ જવા સિવાય કોઈ રસ્તો નથી.
જ્યારે સરકાર કહી રહી છે કે, FRDI બિલને લઈ વિરોધ પક્ષની પાર્ટીઓ ભય ફેલાવી રહી છે. આ બિલ લાવવાનો એજન્ડો એ છે કે આર્થિક સંસ્થાઓને દેવાળિયાથી બચાવી શકે.