Ahmedabad

શહેરના રાણીપ સ્થિત મોલમાં પણ હવે ફ્રી પાર્કિંગ સુવિધા

અમદાવાદ, તા.ર૪
ગુજરાત હાઇકોર્ટે શહેરમાં બેફામ બનેલી પાર્કિંગ સમસ્યા અંગે ઠપકો આપ્યા બાદ શહેર પોલીસ દ્વારા આડેધડ પાર્કિંગ સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ શહેરનાં મોટા ભાગનાં મોલમાં પાર્કિંગના નામે વસૂલાતી ફીમાં પણ પોલીસે લાલ આંખ કરતાં મોટા ભાગના મોલમાં ફ્રી પાર્કિંગની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે. રાણીપ ખાતે આવેલા આવેલ અર્વેદ ટ્રાન્સ્ક્યુબ પ્લાઝામાં પાર્કિંગના નામે વસૂલાતી ફીમાં પોલીસે નોટિસ આપી ફ્રી પાર્કિંગ શરૂ કરાવી દીધું છે. ઉલ્લેખનીય છે કે અર્વેદ ટ્રાન્સ્ક્યુબ પ્લાઝામાં શહેરનું બીજા નંબરનું એસટી બસ સ્ટેન્ડ આવેલું છે. પોલીસે કરેલી પ્રસંશનીય કામગીરી બાદ લોકો વાહનો પાર્ક ક્યાં કરે તે પણ એક મોટો સવાલ ઊભો થયો હતો. ત્યારે શહેરના મોટા ભાગના મોલમાં પાર્કિંગને નામે વસૂલાતી ફી બંધ કરવાનો પોલીસે નિર્ણય લીધો હતો અને વાહનચાલકોને ફ્રીમાં પાર્કિંગ કરવા દેવામાં આવે તે માટે તમામ મોલના સંચાલકોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી. બાંધકામના નિયમ પ્રમાણે શોપિંગ મોલના ક્ષેત્રફળના ૫૦ ટકા વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા હોવી જોઇએ આ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ફરમાન કરવામાં આવ્યું છે. મોલ શરૂ કરતાં પહેલાં બાંધકામના ઉપયોગની જે મંજૂરી આપવામાં આવી છે તેમાં પણ શોપિંગ મોલમાં આવનાર મુલાકાતીઓને મફત પાર્કિંગની વ્યવસ્થા આપવાનો આદેશ છે.
અર્વેદ ટ્રાન્સ્ક્યુબ પ્લાઝાના બેઝમેન્ટ પાર્કિંગ તેમજ બહારનાં પાર્કિંગમાં ટુ વ્હીલરના ૧૦ રૂપિયા અને ફોર વ્હીલરના ૨૦ રૂપિયા ચાર્જ વસૂલવામાં આવતો હતો. ટ્રાફિક પોલીસે અર્વેદ ટ્રાન્સ્કયુબ પ્લાઝાને ફ્રી પાર્કિંગ કરવા માટે નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી.