પેરિસ,તા. ૮
પેરિસમાં રોલેન્ડ ગેરોસ ખાતે રમાઇ રહેલી વર્ષની બીજી ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં પુરૂષોના વર્ગની સિગલ્સ ફાઇનલ મેચ સ્પેનિશ સ્ટાર રાફેલ નડાલની ટક્કર ઓસ્ટ્રિયાના ડોમિનિક થીમ સામે થશે. નડાલ રેકોર્ડ ૧૧મી વખત ફ્રેન્ચ ઓપનમાં પુરૂષ સિગલ્સ તાજ જીતવા માટે મેદાનમાં ઉતરનાર છે. ક્લે કોર્ટના કિંગ તરીકે ગણાતા નડાલે સેમીફાઇનલ મેચમાં ડેલ પોટ્રો પર સીધા સીટોમાં ૬-૪, ૬-૧ અને ૬-૨થી જીત મેળવી હતી. આ મેચ બે કલાક અને ૧૪ મિનિટ સુધી ચાલી હતી. ડેલ પોટ્રો પ્રથમ સેટમાં લડાયક દેખાઇ રહ્યો હતો પરંતુ ત્યારબાદ તેની રમત નબળી હતી. તે નડાલની શક્તિશાળી રમત સામે ટકી શક્યો ન હતો. નડાલ ફરી એકવાર જોરદાર દેખાવ કરવા માટે સજ્જ છે. ક્વાર્ટર ફાઇનલમાં સર્બિયાના નોવાક જોકોવિકને હાર આપીને મોટો અપસેટ સર્જનાર ઇટાલીના મંર્કો ચેચેહિનાટો સેમીફાઇનલમાં થીમ સામે હારી ગયો હતો. થીમ પ્રથમ વખત કોઇ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચી ગયો છે. થીમે ચેચેહિનાટોને ૭-૫, ૭-૬, ૬-૧થી હાર આપી હતી. આ મેચ બે કલાક અને ૧૭ મિનિટ સુધી ચાલી હતી. પ્રથમ બે સેટમાં ઇટાલીના ખેલાડીએ શાનદાર રમ રમી હતી. પુરૂષોના વર્ગમાં રાફેલ નડાલે આગેકુચ જારી રાખી છે. ગયા વર્ષે પુરુષોના વર્ગમાં રાફેલ નડાલ અને મહિલાઓના વર્ગમાં જેલેના ઓસ્તાપેન્કો વિજેતા બની હતી. આ વખતે ઇનામી રકમ ૩૯૧૯૭૦૦૦ રાખવામાં આવી છે.