પેરિસ, તા.૩૦
અમેરિકન સ્ટાર સેેરેના વિલિયમ્સે ફ્રેન્ચ ઓપનના મહિલા સિંગલ્સ વર્ગમાં પ્રથમ રાઉન્ડમાં ચેક ગણરાજ્યની ક્રિસ્ટિના ટિલસ્કોવાને હરાવી ગ્રાઉન્ડસ્લેમમાં જીત સાથે પુનરાગમન કર્યું. સેરેનાએ રૌલાગેરામાં ક્રિસ્ટિનાને ૭-૬, ૬-૪થી હરાવી ર૦૧૭ ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ જીત્યા બાદ મેજર ટુર્નામેન્ટમાં પ્રથમ જીત મેળવી.
બીજી બાજુ રોલાંગૈરાના બાદશાહ રાફેલ નડાલને ફ્રેન્ચ ઓપનમાં પોતાના ૧૧માં ટાઈટલની કવાયતમાં પ્રથમ રાઉન્ડમાં જ ઘણો સંઘર્ષ કરવો પડ્યો જ્યારે મારિયા શારાપોવા પણ ત્રણ સેટ સુધી ઝઝૂમ્યા બાદ બીજા રાઉન્ડમાં પહોંચી નડાલને ઈટાલીના સાઈમન બોલેલીએ જોરદાર પડકાર આપ્યો પણ વિશ્વનો નંબર વન સ્પેનિશ ખેલાડી આખરે રેકોર્ડ ૮૦મી જીત મેળવવામાં સફળ રહ્યો. નડાલે બે દિવસ ચાલેલી આ મેચમાં ત્રીજા સેટમાં ચાર સેટ પોઈન્ટ બચાવી ૬-૪, ૬-૩, ૭-૬, (૧૧-૯)થી વિજય મેળવ્યો આ મેચ બે કલાક પ૭ મિનિટ સુધી ચાલી. કોઈ ગ્રાન્ડ સ્લેમમાં ૮૦ અથવા તેનાથી વધારે મેચ જીતનાર નડાલ ફક્ત ત્રીજો ખેલાડી છે. જીમી કોનર્સ અને ફેડરર તેનાથી વધારે મેચ જીતી ચૂક્યા છે. પૂર્વ ચેમ્પિયન અને ત્રીજા ક્રમાંકની ગર્બાઈન મુગુરૂઝાએ પ્રથમ રાઉન્ડમાં ર૦૦૯ની ચેમ્પિયન સ્વેતલાના કુઝનેત્સોવાને ૭-૬, (૭-૦), ૬-રની પરાજય આપ્યો.