મોસ્કો,તા. ૫
ફીફા વર્લ્ડ કપની શરૂઆત પહેલા હાલમાં ફ્રેન્ડલી મેચ અભ્યાસ મેચનો દોર ચાલી રહ્યો છે. જેના ભાગરૂપે રમાયેલી મેચમાં રોડ્રિગેજ દ્વારા કરવામાં આવેલા ગોલની મદદથી સ્વીટઝર્લેન્ડની ટીમ સ્પેન સામેની મેચ ડ્રો કરવામાં સફળ રહી હતી. સ્પેન અને સ્વીસ વચ્ચેની મેચ ૧-૧ ગોલથી બરોબર રહી હતી. અલ્વારો ઓડરિઓજોલા ખાતે રમાયેલી મેચમાં મોટી સંખ્યામાં ફુટબોલ ચાહકો ઉપસ્થિત રહ્યા હતા. સ્પેનની ટીમ હવે તેની આગામી મેચ ટ્યુનિશિયા સામે અને સ્વીસ પોતાની આગામી મેચ જાપાનની સામે રમનાર છે. અન્ય એક મેચમાં કોસ્ટા રિકાએ ઉત્તરીય આયરલેન્ડ પર ૩-૦થી જીત મેળવી હતી. આ મેચમાં ૪૦ હજાર લોકો ઉપસ્થિત રહ્યા હતા. અન્ય એક મેચમાં મેક્સિકોએ સ્કોટલેન્ડ પર ૧-૦થી જીત મેળવી હતી. અગાઉ વર્તમાન ફીફા ચેમ્પિયન જર્મનીની ઓસ્ટ્રિયા સામે હાર થઇ હતી. શરૂઆતમાં મેસિત ઓઝિલના ગોલના કારણે એક શુન્યની લીડ મેળવી લીધા બાદ જર્મની તરફથી છેલ્લા સુધી કોઇ ખેલાડી ગોલ કરી શક્યા ન હતા. ઓસ્ટ્રિયા તરફથી બે ગોલ કરવામાં આવ્યા હતા. બંને ગોલ બીજા હાફમાં કરવામાં આવ્યા હતા. જર્મનીને સ્પર્ધાની શરૂઆત પહેલા હારનો સામનો કરવો પડતા ચાહકોમાં નિરાશા ફેલાઇ ગઇ હતી. કારણ કે તે આ વખતે પણ હોટફેવરીટ છે. ગોલકિપર મૈનુઅલ નોયરની વાપસી થઇ હોવા છતાં ટીમ હારથી બચી શકી ન હતી. જર્મનીના ખેલાડી રંગમાં નજરે પડ્યા ન હતા. ફ્રેન્ડલી મેચ રોમાંચક બની રહી છે.