(એજન્સી) ઈન્દોર, તા.ર૪
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં ભારતીય ટીમનો ૫ વિકેટથી વિજય થયો છે. ઓસ્ટ્રેલિયાએ આપેલા ૨૯૩ રનના લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમે ૪૭.૫ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યો હતો. આ જીત સાથે ભારતીય ટીમે પાંચ વન-ડે મેચની સિરીઝમાં કબજો જમાવ્યો છે. આ સિરીઝમાં ભારતીય ટીમ હજી ૩-૦થી આગળ છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટિંગ લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ઓપનર બેટ્‌સમેન એરોન ફિન્ચ અને કપ્તાન સ્ટિવ સ્મિથની શાનદાર બેટિંગની મદદથી નિર્ધારિત ૫૦ ઓરમાં ૬ વિકેટ ગુમાવીને ૨૯૩ રન બનાવ્યા હતા. એરોન ફિન્ચે ૧૨૫ બોલમાં ૫ ચોગ્ગાની મદદથી ૧૨૪ રન બનાવ્યા હતા. આ તેની આઠમી સદી હતી. ફિન્ચ અને સ્મિથે બીજી વિકેટ માટે મહત્ત્વપૂર્ણ ૧૫૪ રન બનાવ્યા હતા. કપ્તાન સ્મિથે ૬૩ રન, ડેવિડ વોર્નરે ૪૨ રન, સ્ટોઇનિસે અણનમ ૨૭ રન, ગ્લેન મેક્સવેલે ૫ રન, ટ્રેવિસ હેન્ડે ૪ રન અને પીટર હૈંડસકોમ્બે ૩ રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહે સૌથી વધુ ૨-૨ વિકેટ જ્યારે યજૂવેન્દ્ર ચહલ અને હાર્દિક પટેલને ૧-૧ વિકેટ મળી હતી.
ઓસ્ટ્રેલિયાના લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમે અજિંક્ય રહાણે, રોહિત શર્મા અને કપ્તાન વિરાટ કોહલીની અર્ધ સદીની મદદથી જીત હાંસલ કરી હતી. અજિંક્ય રહાણેએ ૭૦ રન, રોહિત શર્માએ ૭૧ રન, હાર્દિક પંડ્યાએ ૭૮ રન, વિરાટ કોહલીએ ૨૮ રન, કેદાર જાધવ ૨ રન બનાવ્યા હતા. જ્યારે મનિષ પાંડેએ અણનમ ૩૬ અને મહેન્દ્રસિંહ ધોનીએ અણનમ ૩ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે સૌથી વધુ ૨ વિકેટ લીધી હતી. જ્યારે નાથન કૂલ્ટર નાઇલ, કેન રિચર્ડસન અને એસ્ટન અગરને ૧-૧ વિકેટ મળી હતી.