અમદાવાદ, તા.૧૯

ગુડ્‌ઝ સર્વિસ ટેક્સ (જીએસટી)ના વિરોધમાં અમદાવાદ સહિત રાજયભરમાં આજે ફર્નીચર ઉદ્યોગ બંધ પાળી સજ્જડ વિરોધ નોધાવ્યો હતો.  આજે ફર્નીચરના વેપારીઓ અને ઉત્પાદકો જડબેસલાક બંધમાં જોડાયા હતા અને જીએસટી સામે ઉગ્ર વિરોધ અને દેખાવો કર્યા હતા. ફર્નીચરના વેપારીઓ અને ઉત્પાદકોએ હાલનો ટેક્સ યથાવત્‌ રાખવા ઉગ્ર માંગણી કરી હતી.  જીએસટીના વિરોધમાં કાપડ બજાર, હાર્ડવેર, હીરાઉદ્યોગ સહિતના ઉદ્યોગજગતે જડબેસલાક બંધ પાળ્યા બાદ આજે ફર્નીચરના વેપારીઓ અને ઉત્પાદકો જીએસટીના વિરોધમાં મેદાનમાં આવ્યા હતા. અમદાવાદના આશરે ૧૫૦૦ સહિતના ૬૦૦૦થી વધુ વેપારીઓ અને ઉત્પાદકોએ જડબેલાક બંધ પાળી જીએસટીનો જોરદાર વિરોધ કર્યો હતો. જિલ્લા-તાલુકા કક્ષાએ પણ નાના વેપારીઓએ હડતાળને સમર્થન આપ્યું હતું.

વેપારીઓએ પોતાનો રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે, ફર્નીચર પર ૨૮ ટકા જેટલો ઉંચો જીએસટી ટેક્સ લાદવાનો સરકારનો નિર્ણય ગેરકાયદે, બિનવ્યવહારૂ અને અયોગ્ય છે. આટલા ઉંચા ટેક્સના બોજથી ફર્નીચર ઉદ્યોગ પડી ભાંગશે અને વેપારીઓને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બનશે. ઇસનપુર ખાતે બપોરે ફર્નીચરના વેપારીઓ, આગેવાનો અને ઉત્પાદકો ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને જીએસટીના વિરોધમાં વિરોધ પ્રદર્શન અને દેખાવો કર્યા હતા. વેપારીઓએ જોરદાર માંગ કરી હતી કે, હાલના ૧૫ ટેકસની સ્થિતિમાં કોઇ ફેરફાર કરવાની જરૂર નથી, સરકારે વેપારીઓ અને ફર્નીચર ઉદ્યોગની સ્થિતિ અને સંજોગો ધ્યાને લઇ વ્યવહારૂ અભિગમ અપનાવવો જોઇએ.    જીએસટી સામેની લડત વધુ ઉગ્ર અને ગંભીર બનતી જાય છે કારણ કે, પહેલા કાપડબજાર, પછી હાર્ડવેર-સેનેટરી, હીરા ઉદ્યોગ અને હવે ફર્નીચર ઉદ્યોગ સહિતના વિવિધ ઉદ્યોગ જગતના વેપારીઓ જીએસટીનો પ્રચંડ વિરોધ કરી રહ્યા છે અને હવે આગામી દિવસોમાં અન્ય ઉદ્યોગજગત પણ જીએસટીની લડતમાં મેદાનમાં ઉતરશે.