(એજન્સી) તા.ર
કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ બુધવારે કહ્યું હતું કે સ્વાભાવિક છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક અત્યાચારોનો ભોગ બનેલા લોકો ભારત આવશે અને ઈટાલી નહીં જાય. તેમણે કહ્યું હતું કે, તમે શા માટે વિરોધ કરી રહ્યા છો ? તમે કોની સામે વિરોધ કરી રહ્યા છો. જો પાકિસ્તાન અને બાંગ્લાદેશથી હિન્દુઓ ભારતમાં નહીં આવે તો શું તે ઈટાલી જશે ? રેડ્ડીએ કહ્યું હતું કે શીખો પણ ઈટાલી નહીં જાય. તેમનેે આશ્રય અને નાગરિકત્વ આપવાની જવાબદારી આપણી છે. નોંધનીય છે કે ૧ર ડિસેમ્બરે સીએએ લાગુ થયા પછી દેશભરના બુદ્ધિજીવીઓએ આ કાયદાનો વિરોધ કર્યો હતો. તેમની દલીલ છે કે આ કાયદો બંધારણીય બિનસાંપ્રદાયિકતા વિરૂદ્ધ છે. સીએએ ૩૧ ડિસેમ્બર ર૦૧૪ પહેલા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આવેલા હિન્દુ, શીખ, જૈન, પારસી, બૌદ્ધ અને ખ્રિસ્તી સમુદાયના લોકોને નાગરિકતા આપે છે.