અમદાવાદ, તા.૧૦
માત્ર એક વ્યક્તિના આધારે વિકાસની વાતો આગળ ધરી ચૂંટણી પ્રચાર કરનાર ભાજપા માટે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કપરા ચઢાણ જોતા ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાન દ્વારા ભાજપ અત્યારથી જ ઘરે ઘરે જઈ પ્રચાર શરૂ કરી દીધો છે જ્યારે બીજી તરફ રાહુલ ગાંધીની રેલીઓ અને સભાઓમાં જોવા મળતા પ્રચંડ જન પ્રતિસાદને જોતા તેમજ સૌરાષ્ટ્રમાં પાટીદારો બાદ રાજપૂતોમાં પણ જીતુ વાઘાણી અને ભાજપ સામે જોવા મળી રહેલી નારાજગીને જોતાં સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાં મોદીની એક રેલી યોજવામાં આવશે તેની સૂત્રો પાસેથી માહિતી મળી છે. જો કે આ વખતે મોદી મેજિક કેટલું કારગત રહેશે તે કળવું મુશ્કેલ છે છતાં ભાજપની અગાઉની રેલીઓમાં લોકોની પાંખી હાજરી જોતાં ભાજપા મોદીની સાથે સ્પષ્ટ પ્રચારકોને જો પ્રચારમાં ઉતારી લોકોની નારાજગી દૂર કરવા પ્રયત્ન કરે તો નવાઈ નહીં. સૌરાષ્ટ્ર ભાજપ માટેનું મહત્ત્વ કેન્દ્ર છે અને અહીં પાટીદાર-દલિતોમાં કથિત નારાજગી પ્રવર્તે છે તે દૂર કરવા ભાજપે પીએમ મોદીનો આશરો લીધો છે અને તેઓએ કમાન પોતાના હાથમાં લઈ લીધી છે અને તેઓ ર૦મીથી સૌરાષ્ટ્ર ફરી વળશે તેવો કાર્યક્રમ ગોઠવવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં તેમની રેલીઓ યોજવાની રણનીતિ ઘડવામાં આવી છે. મળતા અહેવાલો મુજબ ભાજપ ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર મોદી મેજિકની આશા રાખી રહ્યું છે. આ જ કારણે સૌરાષ્ટ્રના પ્રત્યેક જિલ્લામાં મોદીની એક રેલી પ્લાન કરવામાં આવી છે. રાજયના બે તબક્કાની ચૂંટણીમાં ભાજપનો ગઢ ગણાતા સૌરાષ્ટ્રમાં પહેલા તબક્કામાં એટલે કે ૯ ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. પક્ષના ઉચ્ચ સૂત્રો મુજબ આગામી ૨૦ નવેમ્બરથી સૌરાષ્ટ્રમાં પીએમ મોદીની રેલીઓ યોજાશે. આ પહેલા પક્ષ દ્વારા પોતાના ઉમેદવારની પણ યાદી બહાર પાડી દેવામાં આવશે. એકવાર સૌરાષ્ટ્રના ઉમેદવાર નક્કી થઈ ગયા બાદ ૧૧ જિલ્લામાં વડાપ્રધાન મોદીની રેલીનું આયોજન કરવામાં આવશે. પક્ષ તરફથી પહેલું લિસ્ટ આગામી ૧૮ નવેમ્બર સુધીમાં બહાર પડી શકે છે. સૌરાષ્ટ્રમાં પાટીદાર ઉપરાંત રજપૂત સમાજના વિરોધનો પણ ભાજપ સામનો કરી રહ્યું છે. રજપૂત સમાજ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના રાજીનામાની માગણી કરી રહ્યો છે. તો ગુજરાતમાં કોંગ્રેસના પ્રચારની શરૂઆત રાહુલ ગાંધીએ સૌરાષ્ટ્રના દ્વારકા મંદિરથી કરી હતી. કોંગ્રેસની આ નવસર્જન યાત્રાને સ્થાનિક લોકો દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો હતો. આગામી વિધાનસભા ચૂંટણીમાં કપરા ચઢાણ જોતા ભાજપે ઘરે-ઘરે પ્રચાર અત્યારથી જ શરૂ કરી દીધો છે. જેમાં તેઓ લોકોને ભાજપને વોટ આપવા માટે અપીલ કરતો પીએમ મોદીનો પત્ર પહોંચાડી રહ્યા છે. જેમાં પીએમ મોદીએ કહ્યું છે કે ગુજરાત અને વિકાસ એકબીજાના પૂરક છે. આ સાથે જ ભાજપ દ્વારા તેમની સરકારની સિદ્ઘિઓ ગણાવતી માહિતીના પેમ્ફલેટ પણ વહેચવામાં આવી રહ્યા છે. આ બધુ જોતા મોદી તો મેજિક કેટલું કારગત નીવડશે તે જો ચૂંટણીના પરિણામો જ નક્કી કરશે જો કે ભાજપના મોટા નેતાઓના ગુજરાતઆ આંટાફેરા ઘણું સૂચવી જાય છે તેવી બ્રેક લોકચર્ચાઓ વેગવંતી બનતી જાય છે.