(એજન્સી) નવી દિલ્હી,તા.રર
સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી માગણી કરાઈ હતી કે મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન કરી સરકાર રચવાના પ્રયાસને અટકાવવામાં આવે. અરજી દાખલ કરનાર પશ્ચિમી મહારાષ્ટ્રના દિંદોષી મત વિસ્તારનો મતદાર છે. એમણે દલીલ કરી છે કે, આ ત્રણેય પક્ષો જનાદેશનું ઉલ્લંઘન કરી રહ્યા છે કારણ કે એ ચૂંટણી પછી ગઠબંધન કરી રહ્યા છે.
સુરેન્દ્ર ઈન્દ્રબહાદુર સિંઘે જણાવ્યું છે કે આ પક્ષોએ એક બીજા સામે ચૂંટણી લડી હતી અને પરિણામો પછી ભેગા થઈ ગયા છે. જેથી ચૂંટણીનો કોઈ અર્થ રહેતો જ નથી. આ લોકો જનાદેશની અવગણના કરી રહ્યા છે. ચૂંટણી પહેલા શિવસેના- ભાજપે ગઠબંધન કર્યું હતું. અને કોંગ્રેસ-એનસીપીએ ગઠબંધન કર્યું હતું. જયારે મતદાર શિવસેનાને મત આપતા હતા. ત્યારે એ વિચારીને કે ભાજપ અને શિવસેના એક જ છે. પરિણામો જાહેર થયા પછી એમને ૧૬૧ બેઠકો મળી હતી જે સરકાર રચના માટે પુરતી હતી. પણ સત્તા અને મુખ્યમંત્રીની ખુરશી માટે લડી એમણે લોકો સાથે છેતરપિંડી કરી છે. અરજદારે કહ્યું છે કે ઉધ્ધવ ઠાકરે હવે એનસીપી કોંગ્રેસ સાથે મળી સત્તાનો સોદો કરી રહ્યા છે. જે મતદારો સાથે છેતરપિંડી કહેવાય.
અરજદારે પંછી કમિશનના રિપોર્ટનો હવાલો આપી જણાવ્યું છે કે, ચૂંટણી પહેલાના ગઠબંધનને એક જ પક્ષ ગણાવ્યો હતો અને ચૂંટણી પછીના ગઠબંધનને નહીં સ્વીકારવા જણાવ્યું હતું.