(એજન્સી) તા.૬
તામિલનાડુ કોંગ્રેસ રાજ્યમાં મુખ્ય વિરોધ પક્ષ ડીએમકે સાથે ગઠબંધન ધરાવતી હોવા છતાં અન્ય પ્રાદેશિક પક્ષો કોંગ્રેસને જીતવા પ્રયાસ કરી રહ્યા છે. હજુ હમણાં સુધી રાજ્યમાં ગઠબંધન માટે રાષ્ટ્રીય પક્ષો દ્વારા એઆઇએડીએમકે અને ડીએમકેને જીતવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ હવે પ્રાદેશિક પક્ષો કોંગ્રેસ સાથે સીધું જોડાણ કરવાની વાતો કરી રહ્યા છે.
આવી એક સીધી દરખાસ્ત એઆઇએડીએમકેના બળવાખોર નેતા અને આર કે નગરના ધારાસભ્ય ટીટીવી દિનાકરન તરફથી રજૂ કરવામાં આવી છે કે જેમણે જણાવ્યું હતું કે તેમનો તાજેતરમાં રચવામાં આવેલ પક્ષ અમ્મા મક્કલ મુન્નેત્ર કઝગમ (એએમએમકે) જો ડીએમકે સાથે તેઓ છેડો ફાડી નાખે તો કોંગ્રેસ સાથે હાથ મિલાવવા તૈયાર છે. આ પક્ષ એઆઇએડીએમકેના શશીકલા જૂથનું નેતૃત્વ કરે છે. દિનાકરને જણાવ્યું હતું કે જો કોંગ્રેસ ડીએમકે ગઠબંધનમાંથી છેડો ફાડી નાખે તો અમે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનું વિચારીશું.
જો કે તામિલનાડુ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુથિરુનાવુકર્સરને સ્પષ્ટતા કરી હતી કે આગામી ચૂંટણીમાં તેમના પક્ષ ડીએમકે સાથે ગઠબંધન ચાલુ રાખશે. મારું મલારચી દ્રવિડ મુન્નેત્ર કઝગમના (એમડીએમકે) મહામંત્રી વાયકોએ પણ રાજ્યમાં કોંગ્રેસનો સ્નેહ સંપાદિત કરવાની કોશિશ કરી છે. મે મહિનામાં તેમણેે જણાવ્યું હતું કે તેઓ અને તેમનો પક્ષ ભાજપ સાથે ગઠબંધન કરવા તૈયાર છે. પીએમકેના સંસ્થાપક રામદોશે પણ વાઇકો સાથે સૂર પુરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભાજપ સાથે જોડાવાનો અમારો કોઇ ઇરાદો નથી. અમે કોંગ્રેસ સાથે જોડાઇ શકીએ છીએ. અમારા પક્ષની સામાન્ય અને કારોબારી સમિતિની બેઠક બાદ અમે ખરી જાહેરાત કરીશું એવું રામદોશે તાજેતરની એક બેઠકમાં જણાવ્યું હતું.