(એજન્સી) બેંગલુરૂ, તા. ૩૧
કર્ણાટકમાં નવા રચાયેલા કોંગ્રેસ-જેડીએસના ગઠબંધને ખાતાઓની ફાળવણી અંગેની ખેંચતાણ દૂર કરી લીધી છે પરંતુ ગઠબંધન સામે બીજી ચેલેન્જ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંંટણીઓ હશે. આ ચૂંટણીઓ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાવાની છે. કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન માટે આ ચૂંટણીઓ લિટમસ ટેસ્ટ હશે.
વિધાનસભામાં સંગઠિત થયા હોવા છતાં સ્થાનિક ચૂંટણીઓમાં પહેલા જોડાણ કરીને ભાજપ સામે સંગઠિત થઇને લડવું કે પોતાની અંગત ક્ષમતાએ એક-બીજા અને ભાજપ સામે ચૂંટણી લડવી, આ ગઠબંધન માટે એક મોટી સમસ્યા છે. ભાજપ સામે સંગઠિત થઇને લડવામાં તેમના સ્થાનિક નેતાઓ અલગ થઇજવાનો ભય રહે છે. કારણ કે બંને પક્ષોના સ્થાનિક નેતાઓને સ્થાનિક વહીવટીતંત્રમાં હોદ્દાઓ મળશે નહીં, તેથી પણ અસંતોષ ઊભો થવાનો ભય છે. જો એક-બીજા સામે લડશે તો સ્થાનિક સ્તરે કોંગ્રેસ અને જેડીએસને એક-બીજાની ટીકા કરવી પડશે.
શહેર નિગમો, શહેર નગરપાલિકાઓ અને શહેર પંચાયતો સહિત ૨૦૭ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં ૪,૮૦૦ સીટ માટે મતદાન થશે. ૨૦૧૩માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસને ૧૯૦૬ સીટ જ્યારે ભાજપ-જેડીએસને માત્ર ૯૦૬-૯૦૬ સીટ મળી હતી. ૨૦૧૩માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ વિધાનસભાની ચૂંટણીઓથી એક મહિના પહેલા યોજાઇ હતી અને આ ચૂંટણીઓને સેમિ-ફાઇનલ ગણાવાઇ હતી પરંતુ આ વખતે ટેકનિકલ કારણસર સ્થાનિક ચૂંટણીઓમાં વિલંબ થયો છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીઓના સેમિ-ફાઇનલને બદલે સ્થાનિક ચૂંટણીઓને કોંગ્રેસ-જેડીએસના ગઠબંધન અંગે લોકમત તરીકે પણ જોઇ શકાય છે.
કોંગ્રેસના એક નેતાએ એવો નિર્દેશ કર્યો છે કે કુમારસ્વામીના શપથ સમારંભમાં સમગ્ર વિપક્ષ ઉમટી પડ્યો હતો અને સંગઠિત વિપક્ષની એક ઇમેજ ઊભી થઇ હતી પરંતુ હવે જો કર્ણાટકની સ્થાનિક ચૂંટણીઓમાં કોંગ્રેસ અને જેડીએસ સંગઠિત થઇને નહીં લડે તો દેશમાં એવો સંદેશ જશે કે તેમને એક-બીજા પર પુરતો ભરોસો નથી અને આ ગઠબંધન કામચલાઉ છે. સ્થાનિક ચૂંટણીઓ સંગઠિત થઇને લડવાના કોંગ્રેસ-જેડીએસના નિર્ણયથી પાયાના સ્તરે તેની વિપરીત અસર થશે. કર્ણાટક યુનિવર્સિટીમાં રાજકીય વિશ્લેષક અને ફેકલ્ટી ડો.હરીશ રામાસ્વામીએ જણાવ્યું કે કોંગ્રેસ અને જેડીએસે પાયાના સ્તરના નેતાઓને સાચવવા માટે સ્થાનિક ચૂંટણીઓ અલગ-અલગ લડવી જોઇએ અને લોકસભાની ચૂંટણીઓ સાથે મળીને લડવી જોઇએ.