ભુજ,તા.૧૦
ભુજ તાલુકાના કનૈયાબે ગામ નજીક આજે સવારે એક મારૂતિકાર પલ્ટી મારી જતાં બે બાળક સહિત ત્રણ વ્યકિતના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
કરૂણ ઘટનાની વિગત એવી છે કે જી.જે.૧ર બી.આર. ૯પ૩૪ નંબરની મારૂતિ સ્વીફટ કાર લઈને રાપરથી ભુજ સલીમ હુસેન કુંભાર તેમના પરિવાર સાથે આવી રહ્યા હતા. ત્યારે આજે સવારે ૧૧.૩૦ વાગ્યાના અરસામાં આ કાર કનૈયાબે ગામ નજીક પહોંચી ત્યારે પલ્ટી મારી ગઈ હતી. જેના પગલે સલીમ હુસેન કુંભાર (ઉ.વ.ર૩), સોહેબ અલીમામદ કુંભાર (ઉ.વ.૧૦) તથા રેહાન રમજાન કુંભાર (ઉ.વ.૭)ના ઘટના સ્થળે જ મોત થયા હતા. જયારે સલમાબેન અલીમામદ કુંભાર નામના મહિલા ઘાયલ થયા હતા. અકસ્માત પગલે ૧૦૮ ઈમરજન્સી સેવાની મદદથી ઘાયલ મહિલાને ભુજની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. મૃતકો અરસપરસ કૌટુંબિક સંબંધી હતા અને સવારે રાપરથી નીકળીને ભુજ આવી રહ્યા હતા.