(એજન્સી) નાગપુર, તા.૧૭
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીની સરકાર વિરૂદ્ધની અવિરત ટિપ્પણીઓથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના પ્રમુખ અમિતશાહ એટલા નારાજ છે કે તેઓએ ગત સપ્તાહે ગડકરીને મળવા માટે એક દૂત મોકલ્યો હતો. ગડકરીએ ભારપૂર્વક કહ્યું છે કે તેમના તાજેતરના નિવેદનોને મોદીની ટીકા તરીકે જોવામાં આવે છે પરંતુ ભાજપના એક વરિષ્ઠ અધિકારીએ ગડકરીને કહ્યું કે ખોટું કે ખોટી વ્યાખ્યા કે અર્થઘટન કરવાને કારણે પૂર્ણ સમયના કામને ખોટું ઠરાવી શકાય નહીં. અધિકારીએ ગડકરીને સંયમ દાખવવાની સલાહ પણ આપી છે. ગડકરી વડાપ્રધાન મોદીના લાંબા સમયથી હરીફ અને આરએસએસની પસંદગીની વ્યક્તિ હોવાથી વડાપ્રધાનપદ માટે મોદીને પડકારી શકે છે, એ બાબતથી ભાજપની ટોચની વર્તમાન નેતાગીરી ભારે ચિંતિત છે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓમાં જો ભાજપને બહુમતીથી ઓછી બેઠક મળશે તો આરએસએસના ૧૫ સભ્યો, ભાજપ અને ગડકરીના નાગપુરના વિશ્વાસુઓના નેટવર્કના ઇન્ટરવ્યૂથી એવો સંકેત મળે છે કે આરએસએસના વડા મોહન ભાગવત સહિત સંઘમાં એક પ્રભાવશાળી જૂથ ગડકરીનું સમર્થન કરવા માટે તૈયાર છે.
ગડકરીના એક નિકટના સહયોગીએ નામ જાહેર નહીં કરવાની શરતે ભારપૂર્વક જણાવ્યું કે ‘શું થઇ રહ્યું છે તે સ્પષ્ટ અને પારદર્શક છે. તેમણે ટોચના પદની ક્યારેય આકાંક્ષા કરી નથી ?’ ગયા વર્ષે ઓક્ટોબરમાં પહેલી વાર ગડકરીએ મોદીની વિરૂદ્ધમાં ટિપ્પણી કરી હતી. તે વખતે ગડકરીએ કહ્યું હતું કે તેમના પક્ષે ૨૦૧૪ પહેલા ક્યારેય વિચાર્યું પણ ન હતું કે તે સત્તામાં આવશે અને ચૂંટણી પહેલા પ્રજાને આપેલા વચનો માટે પક્ષને જવાબદાર થવું પડશે. ૨૦૧૬માં તેમણે કહ્યું હતું કે ભાજપનું ૨૦૧૪નું સૂત્ર ‘અચ્છે દિન’ ગળામાં ફંસાયેલું હાડકું બની ગયું હતું. ભાજપના પ્રમુખ અમિતશાહ કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી રહ્યા હતા ત્યારે ગડકરી પોતાની પાર્ટીના લોકોને નમ્રતા રાખવાનું કહી રહ્યા હતા, કારણ કે કોઇ પણ સરકાર હંમેશ શાસન કરી શકતી નથી. ત્રણ રાજ્યોની ચૂંટણીઓમાં ભાજપના પરાજય બાદ ગડકરીએ કહ્યું હતું કે વિજયનો શ્રેય લેનાર નેતૃત્વમાં પરાજયનો સામનો કરવાનું સાહસ હોવું જોઇએ.