(એજન્સી)
નનકાસાહેબ, તા.ર૭
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં દર વર્ષે મોટી સંખ્યામાં શીખ યાત્રાળુઓ નાનકા સાહેબ દરબારમાં પહોંચે છે. ગુરૂનાનક જયંતી પર આ વર્ષે પણ મોટી સંખ્યામાં શીખ શ્રદ્ધાળુ ભારતથી આવ્યા છે. ૧૯૪૭માં વિભાજન સમયે બે બહેનોને પાકિસ્તાન છોડી એક શીખ ભારત આવ્યા હતા. જેઓ ૭૧ વર્ષ બાદ તેમની બે બહેનોને મળ્યા ત્યારે હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા. બહેનો પાકિસ્તાનના નાગરિક છે. તેમણે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો છે. પરંતુ ભાઈ શીખ ધર્મી છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનલના જણાવ્યા અનુસાર મુસ્લિમ ધર્મ સ્વીકારનાર બંને બહેનો ઉલ્તફબીબી અને મીરાઝબીબી ૭૧ વર્ષ પછી ભાઈ બિપંતસિંહને ગળે લગાવી ભાવૂક થઈ ગયા. જેમને તેઓ ૭૧ વર્ષમાં કદી મળ્યા ન હતા. બંને વચ્ચે પત્રવ્યવહાર થતો હતો. પરિવાર અખંડ ભારતના પંજાબ પ્રાંતના ડેરાબાબા નાનક સ્થિત પારચા ગામના રહેવાસી છે. ૧૯૪૭માં વિભાજન બાદ બંને સ્થળોથી લોકોએ મોટી સંખ્યામાં પલાયન કર્યું. બંને બહેનો પાકિસ્તાનમાં પરિવાર સાથે વસી ગઈ. પરંતુ બિપંતસિંગ સીમા પાર કરી શક્યા નહીં અને ભારતમાં રહી ગયા. બંને બહેનો ભાઈ સાથે પત્રથી સંપર્કમાં હતી. હાલમાં શીખોનો એક જથ્થો પાકિસ્તાન ગયો ત્યારે બંને બહેનો ૭૧ વર્ષ બાદ ભાઈને મળી અને હૈયાફાટ રડી પડી. બહેનોએ ઈસ્લામ ધર્મ અપનાવ્યો છે. તેમણે ભાઈના વિઝા વધારી આપવા ઈમરાનખાનને અપીલ કરી છે. હવે ઉલ્ફતબીબીએ ભારત આવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જેથી તે ભાભીને મળી શકે. મુસ્લિમ બહેનો અને શીખ ભાઈ વચ્ચેની મુલાકાત એવા સમયે સામે આવી છે જ્યારે કરતારપુર કોરીડોર બની રહ્યો છે. જેનાથી બંને દેશો વચ્ચેના સંબંધોને સુધારવામાં મદદ મળશે.