ભાવનગર, તા.ર
ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામે પ્રેમી પંખીડાએ સજોડે ગળાફાંસો ખાઈ લેતા ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી. મૂળ રૂપાવટીનો યુવાન એક વર્ષથી સુરત રહેતો હતો અને ગત રાત્રિના તેની સગીરવયની પ્રેમિકા સાથે રૂપાવટી આવી આપઘાત વ્હોરી લીધો હતો. આ બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ રૂપાવટી ગામનો પરેશ શંભુભાઈ વાઘેલા (ઉ.વ.ર૦) છેલ્લા એક વર્ષથી સુરત સ્થાયી થઈ ત્યાં એચ.એલ. રોડ પર સહજાનંદ સોસાયટીમાં શાકભાજીનો વ્યવસાય કરતો હતો. જે દરમ્યાન તેને એક સગીરા સાથે પ્રેમસંબંધ બાંધતા જીવવા મરવાના કોલ આપ્યા હતા. દરમ્યાનમાં પરેશ શંભુભાઈ વાઘેલા ગત મોડી રાત્રિના તેની પ્રેમિકા અને બાદમાં કોઈ અકળ કારણોસર પરેશે તેની પ્રેમિકા સાથે પંખાના હુકમાં સાડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. ઘટનાની જાણ થતા ગારિયાધાર પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મૃતક પરેશભાઈના પિતા શંભુભાઈ મોહનભાઈ વાઘેલા (ઉ.વ.પ૦)એ આપેલા નિવેદનના આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.