(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૮
આણંદ શહેરમાં એમરી હોસ્પિટલ પાસે આવેલ લાલ બંગલોમાં રહેતા અને છેલ્લા વીસ વર્ષથી સીનાઈ કો.ઓ. ક્રેડીટ સોસાયટીના ચેરમેન તરીકે ફરજ બજવતાં રૂપેશરાય સાત્વીકરાય (ઉ.વ.૬૦)નાએ આજે વહેલી સવારના સુમારે પોતાના ઘરમાં પ્રથમ માળે છતનાં મોભ સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લેતા સવારે ૮ઃ૩૦ વાગે તેઓનો પુત્ર તેઓને ચા-નાસ્તો આપવા માટે પ્રથમ માળે આવેલા રૂમમાં જતા તેણે દાદરો ચઢતા જ પોતાનાં પિતાને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોતા તેઓનાં પરિવારજનો દોડી આવ્યા હતા અને તપાસ કરતા રૂપેશરાયનાં ધબકારા ધીમે-ધીમે ચાલી રહ્યા હોવાનું જણાતા તેઓએ દુપટ્ટો કાપીને રૂપેશરાયને ત્વરીત સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં તબીબોએ તેઓને ચકાસીને મૃત જાહેર કરતાજ પરિવારજનોએ આક્રંદ કર્યું હતું. આ ઘટના અંગે આણંદ ટાઉન પોલીસને જાણ કરતાં પીએસઆઈ એન.ડી.રાવલ પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જનરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે ઘટના સ્થળે તપાસ કરતા પોલીસને મૃતકે લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં જમીનના નાંણા નહીં મળતા તેઓએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે, જેને લઈને ચકચાર મચી જવા પામી છે, પોલીસે આ ઘટના અંગે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.