(સંવાદદાતા દ્વારા) સુરત તા.૨૦
સુરત શહેરના પીપલોદમાં ભારતીમૈયા ફિઝીયોથેરાપી કોલેજની વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ઉમરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત જિલ્લાના કામરેજની વ્રજવાટીકામાં રહેતી ૧૯ વર્ષીય ડિમ્પલ નરેશભાઈ કલેશ નામની વિદ્યાર્થીની પીપલોદમાં આવેલી ભારતીમૈયા ઓપટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપી કોલેજમાં ત્રીજા વર્ષના પાંચમાં સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થીનીએ રાત્રિના સમયે રહસ્યમય સંજોગોમાં પોતાની રૂમમાં જ ગળે ફાંસો ખાઈ લીધો હતો. દીકરીના મોતથી પરિવાર પણ હતપ્રત થઈ ગયું હતુ. જો કે હજુ સુધી તેના આપઘાતનું કારણ જાણી શકાયું નથી. આ ઘટના અંગે ઉમરા પોલીસને જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અને પોલીસે લાશને નીચે ઉતારી પી.એમ. અર્થે સિવિલમાં મોકલી આપી છે. આ સમગ્ર ઘટના સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.