અમદાવાદ,તા. ૨૭
અમદાવાદ શહેર સહિત ગુજરાતભરમાં એટલે સુધી કે, ગ્રામ્ય વિસ્તારોમાં પણ દિન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે. રોજેરોજ લૂંટ, ધાડ, ખૂન અને ખંડણીની અનેક ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના ધામતવણ ગામે માત્ર ૧૪ વર્ષનો એક સગીર વિદ્યાર્થી ટ્યુશન કરીને ઘરે જઈ રહ્યો હતો ત્યારે એક શખ્સે તેનું ગળું કાપીની હત્યા કરી નાંખી હતી. ચોંકાવનારી અને કાળજુ કંપાવી દે એવી વાત તો એ સામે આવી હતી કે, આરોપીએ સગીર વિદ્યાર્થીની હત્યા કર્યા બાદ ખારી નદીના પટમાં જ ખાડો ખોદીને તેની લાશને દાટી દીધી હતી. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. પોલીસે સમગ્ર મામલામાં આરોપી જગદીશ ભોઇની ધરપકડ કરી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, દહેગામના બડોદરા ગામે જગદીશ ભોઈ નામના શખ્સની યુવતીની છેડતી મામલે સગીર વિદ્યાર્થીના પરિવારજનો અને ગામના મોટાઓ સાથે બોલાચાલી અને તકરાર થઈ હતી. જેની અદાવત રાખી આરોપીએ ૧૪ વર્ષનો સગીર વિદ્યાર્થી ટ્યુશન પૂરૂં કરીને ઘરે જતો હતો ત્યારે અચાનક તેના પર હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આરોપીએ તીક્ષ્ણ હથિયાર વડે નાનકડા કિશોરનું ગળુ કાપી નાંખતા તે લોહીલુહાણ હાલતમાં ફસડાઇ પડયો હતો. આરોપીએ સગીર વિદ્યાર્થીની લાશને પણ બાદમાં નદીના પટમાં જ દફનાવી દીધી હતી. જો કે, પાછળથી પોલીસને જાણ થતાં સ્ટાફના કાફલા સાથે પોલીસ સાબરમતી નદીના પટ સુધી પહોંચી હતી અને ખાડો ખોદાવી લાશને બહાર કાઢી હતી. પોલીસ પણ સગીર વિદ્યાર્થીની લાશને જોઇને ચોંકી ઉઠી હતી. માસૂમ સગીરના ગળુ તીક્ષ્ણ હથિયારથી કાપી નાંખવામાં આવ્યું હતું. પોલીસે લાશને નદીની રેતમાં ખાડો ખોદી દાટી દેવાયેલી સગીરની લાશને બહાર કઢાવડાવી તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી. પોલીસે આરોપી જગદીશ ભોઇની પણ ધરપકડ કરી સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ટૂંકમાં, સમગ્ર ઘટનામાં મોટાઓ વચ્ચેની તકરારમાં ૧૪ વર્ષના સગીરનો અદાવતમાં ભોગ લેવાયો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.