(એજન્સી) તા.૯
યુપીના ઇટાવા જિલ્લાના ચકરનગરમાં એક એવી મુસ્લિમ વસ્તી છે જ્યાંના લોકોએ મૃતકોને તેમના જ ઘરમાં દફનાવવાનું શરુ કરી દીધું છે. ચકરનગર વિસ્તારમાં સ્થિત તાકિયા વસ્તીમાં રહેતા સુશીલા બેગમ ઊંડા અવાજે કહે છે કે અમારી પાસે મિલકત નથી અને કંઇ પણ નથી. અમને તો ફક્ત બે ગજ જમીન જોઇએ છે તેમ છતાં અમે એટલા દુર્ભાગ્યધારી છીએ કે અમને તે પણ નથી મળી રહી. આ વિસ્તારમાં ફક્ત સુશીલા બેગમ જ આવી મુશ્કેલીની સામનો નથી કરી, ખરેખર તો અહીં રહેતા ૭૦-૮૦ પરિવારો આ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આ લોકો એટલા મજબૂર થઇ ગયા છે કે તેમણે તેમના વૃદ્ધોને નાના-નાના ઘરો અથવા ઘરના નામે ફક્ત રુમમાં જ દફનાવવાનો નિર્ણય કર્યો છે. કેમ કે આ વસતીમાં તંત્રએ કોઇ કબ્રસ્તાન બનાવ્યું નથી. અસલમાં આ સમસ્યા આજથી જ નહીં પરંતુ વર્ષો જૂની છે. આ વસતી ફકીર મુસ્લિમોની છે. વસતીના લોકો કહે છે કે અહીં કબ્રસ્તાન બનાવવા માટે અમે દરેક જગ્યાએ વિનંતી કરી પરંતુ આજ સુધી કોઇ સુનાવણી થઇ નથી. ઇટાવાના તંત્રના અધિકારીઓ પણ તકિયામાં કબ્રસ્તાન ન હોવાની જાણકારીથી વાકેફ છે. ઇટાવાના જિલ્લાધિકારી સેલ્વા કુમારી જે કહે છે કે આજુબાજુ ખાલી જમીનો જ નથી. કોઇપણ ખાનગી જમીન ન આપી શકાય. અમે આ લોકોને વસ્તીથી થોડેક દૂર જમીન આપી હતી પરંતુ આ લોકો ત્યાં કબ્રસ્તાન બનાવવા રાજી નથી.