(એજન્સી)
નવી દિલ્હી, તા. ૨
ભારતે પાકિસ્તાનને સૈન્ય સહાય આપવાના અમેરિકાના નિર્ણય અંગે ગંભીર ચિંતા દર્શાવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું હતું કે, અહીં અમેરિકી રાજદૂત અને વોશિંગ્ટનમાં ટ્રમ્પના વહીવટીતંત્ર સમક્ષ આ મુદ્દાને ઉઠાવાયો છે. કુમારે કહ્યું કે, અમે દિલ્હીમાં અમેરિકી રાજદૂત સાથે ઉપરાંત વોશિંગ્ટનમાં પણ પોતાના રાજદૂત દ્વારા અમેરિકી સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે. અમે પાકિસ્તાનને અમેરિકી સૈન્ય સહાય આપવા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
સૂત્રો અનુસાર અમેરિકાના રાજદૂતને સાઉથ બ્લોકમાં બોલાવાયા હતા અને પાકિસ્તાન સેનાની મદદ કરવાના અમેરિકાના નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો છે. પેન્ટાગોને પાછલા સપ્તાહે અમેરિકી કોંગ્રેસને માહિતી આપી હતી કે, ૧૨.૫૦ કરોડ ડૉલરના સૈન્ય સરંજામના વેચાણની મંજૂરી આપી છે જેનાથી પાકિસ્તાનને એફ-૧૬ લડાકૂ વિમાનોની દેખરેખ કરવામાં આવશે. આ માહિતી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના વડાપ્રધા ઇમરાનખાન વચ્ચે થયેલી બેઠક બાદ અપાઇ હતી. કુમારે વધુમાં જણાવ્યું કે, અમેરિકાએ અમને કહ્યું છે કે પ્રસ્તાવિક વેચાણથી પાકિસ્તાનને સૈન્ય સહાયતા રોકી રાખવાની અમારી નીતિમાં કોઇ ફેરફાર દેખાતો નથી. અમેરિકાએ જાહેરમાં કહ્યું છે કે, પ્રસ્તાવિત વેચાણનો ઉદ્દેશ્ય અમેરિકાને ટેકનિકલ અને સરંજામ સેવાઓ ચાલુ રાખવામાં સક્ષમ બનાવવું છે જેથી પાકિસ્તાનની એફ-૧૬ વિમાનોની ઇવેન્ટ્રીના સંચાલનની દેખરેખમાં સહાયતા કરી શકાય. પાકિસ્તાને ફેબ્રુઆરીમાં બાલાકોટ હવાઇ હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારત વિરૂદ્ધ એફ-૧૬ લડાકુ વિમાનોનો ઉપયોગ કર્યો હતો. ભારત અને અમેરિકા વચ્ચે વેપારના સંબંધોમાં તંગદિલી અંગે પુછાતા રવીશકુમારે કહ્યું કે, અમે અત્યંત સકારાત્મક અને રચનાત્મક રીતે ઉદ્યોગ સંબંધિત બાબતોમાં આગળ વધી રહ્યા છીએ.