અમદાવાદ, તા.૩
આજે ફરી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ધાનેરામાં આવ્યા હતા અને તેમના જન્મ દિવસ નિમિતે શાળામાં ભણતા બાળકોને શિક્ષણ કીટ આપી જન્મ દિવસની ઉજવણી કરી હતી તો બીજી તરફ વિવિધ લોકો દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં ૭ કરોડ ૫૪ લાખના ચેક મુખ્યમંત્રીને આપવામાં આવ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી પાંચ દિવસ સુધી બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે છે અને ગામે ગામે જઈ લોકોના ખબર અંતર પૂછી રહ્યા છે અને પૂરપીડિતોને સહાય આપવામાં માટેની તાત્કાલિક તૈયારીઓ કરાવી રહ્યા છે ત્યારે આજે ફરીવાર ધાનેરાની મુલાકાતે આવ્યા હતા અને ધાનેરાની વિવેકાનંદ વિદ્યાલયમાં સામાન્ય સભા સંબોધી હતી, જે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે સમગ્ર માલસામાન પણ પાણીમાં તણાઈ ગયો છે ત્યારે અભ્યાસ કરતા બાળકોની પણ તમામ અભ્યાસને લાગતી સામગ્રી પાણીમાં તણાઈ ગઇ છે જેને લઈ શાળામાં અભ્યાસ કરતા બાળકોને અભ્યાસ માટેની કીટ સહિત તમામ પુસ્તકો આપ્યા હતા અને જણાવ્યું હતું કે હું મારી ઓફિસમાં બેઠા બેઠા પણ સરકાર ચલાવી શકયો હોત પણ પ્રજાના દુઃખની લાગણીને ધ્યાનમાં રાખી અને પ્રજાના દુઃખમાં ભાગીદાર બનવા માટે હું પાંચ દિવસથી બનાસકાંઠામાં આવ્યો છું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને ખાતરી આપતા જણાવ્યું હતું કે જે આ વખતે ધાનેરામાં પાણી આવ્યું છે તેનો સર્વે કરવામાં આવશે અને એન્જિનિયરો દ્વારા તાપસ કરી ગામમાં પાણી ઘૂસવા માટે નડતર રૂપ રોડ હોય કે કોઝવે હોય તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવશે અને આવનાર સમયમાં ગમે તેટલું પાણી આવે પણ પાણી ગામમાં ન ઘૂસે તે માટે યુદ્ધના ધોરણે કામ કરવામાં આવશે. વિજય રૂપાણીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે હું પહેલી વાર ધાનેરા આવ્યો ત્યારે ધાનેરામાં ઠેર ઠેર ગંદકી જોવા મળતી હતી અને સમગ્ર ધાનેરામાં દુર્ગંધ ફેલાઈ હતી જેનું કામ પુરજોશમાં ચાલુ છે. માર્કેટયાર્ડમાંથી સડેલું અનાજ ૨૮૦૦ ટન અને બજારમાંથી ૫૦૦૦ ટન જેટલો કચરો બહાર નાખવામાં આવ્યો છે અને તાત્કાલિક ધાનેરાને ગંદકી મુક્ત બનવવામાં આવશે અને દરરોજ રાત્રે અમારી સરકાર દ્વારા જે લોકોને નુકશાન થયું છે તે માટે ચિંતા કરવામાં આવે છે અને લોકોને થયેલા નુકશાન માટેનું પેકેજ તાત્કાલિક બહાર પાડવામાં આવશે. વિવિધ લોકો દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ માટે મુખ્યમંત્રીને ૭ કરોડ ૫૪ લાખ ચેક પણ આપ્યા હતા.