(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૫
સુરતમાં નાગરિક સંશોધન કાયદાની તરફેણમાં વિશાળ રેલી બાદ બુધવારે કોંગ્રેસે કાયદાના વિરોધમાં ધરણા શરૂ કર્યા છે. લોકો પાસે ડોક્યુમેન્ટ માગવાના બદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ડિગ્રી પહેલા બતાવે તેવા સૂત્રો સાથે કોંગ્રેસના ધરણા શરૂ થયા છે.
સુરતના ચોક બજાર ગાંધી પ્રતિમા ખાતે બુધવારે કોંગ્રેસ દ્વારા નાગરિક સંશોધન કાયદાના વિરોધમાં ધરણા શરૂ કરાયા છે. કોંગ્રેસ દ્વારા કાયદાનો આક્રમક રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના નેતા અને કાર્યકરો બુધવારે ગાંધી પ્રતિમા ખાતે ભેગા થયા હતા. આ કાયદાનો વિરોધ કરી અને કોઈપણ સંજોગોમાં આ કાયદો લાગુ ન થાય તેવી આક્રમક માગણી કરી રહ્યા છે. કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનમાં અનેક પ્રકારના પ્લે કાર્ડ જોવા મળ્યા હતા. જેમાં કેટલાક કાર્યકરો હાથમાં નરેન્દ્ર મોદીને પ્રશ્ન પૂછતા કાર્ડ લઈ દેખાયા હતા. પ્લે કાર્ડમાં લખાયું હતું. હમારે પુરખો કે ડોક્યુમેન્ટ ચાહીએ, મોદીજી પહેલે આપ અપની ડિગ્રી દિખાઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોલિટિકલ સાયન્સની ડિગ્રી સામે પ્રશ્ન ઉઠાવવા ઉપરાંત કાયદાનો વિરોધ કોંગ્રેસીઓ દ્વારા કરવામાં આવ્યો છે. આ વિરોધ આગામી દિવસોમાં આક્રમક બને તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. આ ધરણાં કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓ, નગર સેવક, કાર્યકરો, મહિલાઓ સહિત અન્ય લોકો જોડાયા હતા.