અમદાવાદ, તા.૨૪
શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદને લીધે આજે વહેલી સવારે કોટ વિસ્તારમાં આવેલી ફતાશા પોળના એક જર્જરીત મકાનની ઉપલી છત અને સીડી ધડાકાભેર તૂટી પડતાં એક પરિવાર દટાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં ચાલીસ વર્ષીય રાજુભાઈ ઠાકોરનું ઘટના સ્થળે મોત થયું હતું. મરનારનાં પત્ની અને બે બાળકોને સામાન્ય ઈજા સાથે હેમખેમ બહાર કઢાયા હતા. ખાડીયા વોર્ડમાં આવેલા પાતાલેશ્વર મહાદેવની બાજુની ફતાશા પોળ સ્થિત ત્રણ માળનું જર્જરીત મકાન વરસાદી હોનારતનો ભોગ બન્યું હતું. મ્યુનિસિપલ કોર્પો.એ આ અંગે નોટિસ પણ કરી હતી. પણ તેની અવગણના કરવાની ભૂલ ભયાનક સાબીત થઈ હતી. આજે વહેલી સવારે ૪ વાગ્યે આ મકાનની ઉપલી છત અને સીડી તૂટી પડતાં મકાનમાં રહેતા ઠાકોરપરિવારના બે બાળકો સહિત ચાર વ્યક્તિ કાટમાળ હેઠળ દટાઈ હતી. રાજુભાઈ ઠાકોરને માથા અને પગમાં ભારે ઈજા થતા સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે તેમના પત્ની રેવીબહેન ઉ.વ. ૩૦ અને ૭ વર્ષની સીમા અને ૩ વર્ષનો હરીશ પણ તૂટી પડેલા મકાનના કાટમાળ હેઠળ દટાઈ ગયાં હતાં. મ્યુનિ. ફાયરબ્રિગડના જણાવ્યા મુજબ ફતાશા પોળની દુર્ઘટનામાં ફાયરબ્રિગેડના જવાનો દ્વારા રેવીબહેન અને બંને બાળકોને સામાન્ય ઈજા સાથે કાટ માળમાંથી બહાર કઢાયા હતા. આ ત્રણેય ઈજાગ્રસ્તોને વી.એસ. હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલાયાં હતાં. વી.એસ. હોસ્પિટલના આર એમ ઓ ડો.કુલદીપ જોશીના જણાવ્યા મુજબ સવારે ૪.૩૦ કલાકે માતા અને બંને બાળકોને માથા પર થયેલી ઈજાના કારણે ટ્રોમા સેન્ટરમાં સારવાર અપાઈ રહી છે. ત્રણેય ઈજાગ્રસ્તો હોસ્પિટલ લવાયા ત્યારે ભાનમાં હતા. જ્યારે મૃતક રાજુભાઈની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાઈ છે. હાલમાં આ ત્રણેય જણા ભયમુકત છે. અને પ્રાથમિક સારવાર અપાયા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી. આ દરમ્યાન મધ્ય ઝોનના એસ્ટેટ ઓફિસર રમેશ દેસાઈના જણાવ્યા મુજબ રથયાત્રા રૂટ પરના ભયજનક મકાનોના સર્વે દરમ્યાન ર૮૦ મકાનોને ભયજનક જાહેર કરાયાં હતાં. આજે ધરાશાયી થયેલું મકાન પણ કોર્પોરેશનની ભયજનક યાદીમાં સામેલ હતું.