(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨
ભ્રષ્ટાચાર, મોંઘવારી, મોંઘુ શિક્ષણ, બેરોજગારી, ભુખમરો અને મંદીએ દેશમાં માઝા મુકી છે. ત્યારે ૧૫૦મી ગાંધી જયંતિના દિવસે સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ ગાંધીજીના વેશભુષા ધારણ કરી વડાપ્રધાન અને લોકોને જાગૃત કરવા ચાર કિલોમીટરની કુચ કરી હતી.
વડોદરા સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ ગાંધીનગર ગૃહ સ્થિત મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કર્યા બાદ ખુલ્લાપગે કુચ કરી હતી. તેઓની સાથે અન્ય કાર્યકરો ભ્રષ્ટાચાર, મોંઘવારી મોંઘુ શિક્ષણ, બેરોજગારી, ભુખમરો અને માઝા મુકી રહેલી મંદીના પોસ્ટરો સાથે જોડાયા હતા. દેશના લોકોને પ્રવર્તમાન સ્થિતિ અંગે જાગૃત કરવા ગાંધીજીની વેશભૂષા ધારણ કરી કુચ કરનાર સામાજીક કાર્યકરે માર્ગો ઉપર આકર્ષણ જમાવ્યું હતું. ગાંધીનગરથી કોઠી ચાર રસ્તા, રાજમહેલ રોડ ભગતસિંહ ચોક થઇ ગાંધીનગર ગૃહ સુધીની ચાર કિલો મીટરની પદયાત્રા કરી હતી. સામાજીક કાર્યકરોએ જણાવ્યું હતું કે, દેશના વર્તમાન સ્થિતિ વડાપ્રધાનને જાગૃત કરવા અને લોકોને જાગૃત કરવા પદયાત્રા કરી છે. દેશમાં ભ્રષ્ટાચાર, મોંઘવારી, મોંઘુ શિક્ષણ, બેરોજગારી, ભુખમરો અને આર્થિક મંદીએ દેશમાં માઝા મુકી છે. સરકાર દ્વારા આ બાબતે કોઇ પગલા ભરવામાં આવતા નથી. લોકો પણ મુંગા મોઢે વધુ સહન કરી રહ્યાં છે ત્યારે લોકો જાગે અને સરકાર સામે લડવા ઉભા થાય તે માટે પદયાત્રા કરવાની ફરજ પડી છે.
વડોદરામાં સામાજિક કાર્યકરે ગાંધીજીની વેશભુષા ધારણ કરી ૪ કિ.મી કૂચ કરી

Recent Comments