અમદાવાદ, તા.૩૦
રાજ્યમાં તમે છાશવારે નકલી પોલીસ નકલી ડૉક્ટર કે નકલી સીબીઆઈની ઘટનાઓ સામે આવતી હોય છે. પરંતુ દેશના સૌથી તટસ્થ કહેવાતા ચૂંટણી પંચના નામે નકલી ચૂંટણી પંચની ઘટના સામે આવી છે. સમગ્ર દેશમાં એક પત્રએ દેશભરની પોલીસને દોડતી કરી દીધી હતી. જેમાં ચૂંટણી પંચના નામે તમામ પોલીસ સ્ટેશને પત્ર મોકલવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, ઈવીએમ મશીનમાં થતી ગેરરીતિ તપાસ મામલે સૂચના આપી હતી તેમજ આ પત્ર રાજ્ય પોલીસવડા સહિત પોલીસ કમિશનરને મોકલવામાં આવ્યો હતો ત્યારે આ નકલી ચૂંટણીપંચ મામલે ગાંધીનગર પોલીસે ફરિયાદ નોંધી છે. ર એપ્રિલ ર૦૧૮ના રોજ નકલી ચૂંટણી પંચનો પત્ર તમામ કમિશનર અને એસપીને મોકલવામાં આવ્યો હતો. જેમાં ઈવીએમની તપાસનો રિપોર્ટ સોંપવા માટે પણ સૂચના આપવામાં આવી હતી તેમજ એક મહિનામાં તપાસનો રિપોર્ટ સોંપવા સૂચના આપી હતી. ગુપ્ત રિપોર્ટ મંગાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. સમગ્ર મામલે એસઓજીની તપાસ સોંપવામાં આવી છે. જે પછી તપાસ કરતાં જાણવા મળ્યું કે, ચૂંટણી પંચે આ પ્રકારનો કોઈ પણ પત્ર મોકલ્યો જ નથી તેમજ આ પત્ર ખોટો હોવાનું સામે આવ્યું હતું. હવે દેશની સૌથી તટસ્થ ગણાતી સંસ્થાની વિશ્વસ્નિયતા સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. આ મામલે ગાંધીનગર સેક્ટર ૭ના પીઆઈએ ફરિયાદ નોંધાવી છે. ચૂંટણી પંચના નકલી પત્ર મામલે ગાંધીનગર પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, પત્ર પર શરૂઆતથી જ શંકા હતી તેમજ તપાસમાં ચૂંટણી પંચ દ્વારા કોઈ લેટર ન લખાયાનું ખુલ્યું હતું. કોઈએ ખોટી રીતે લેટર બનાવ્યો છે તેમજ એસપીએ કહ્યું કે, પ રૂપિયાની ટિકિટ લેટર પર લગાવેલી છે. આ અંગે તપાસ કરતા પોલીસે કોઈ ગુપ્ત રિપોર્ટ નથી મોકલ્યા. આ સાથે જ ચૂંટણી પંચ કયારેય આવી વિગત માંગતું નથી.