અમદાવાદ, તા.૧પ
અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનના દાણીલીમડા અને જમાલપુરની ૧૪ ચાલીઓમાં પીવાના પાણીની સમસ્યા, લોકોના ઘરોમાં ભરાતા ગંદા પાણી અને ડ્રેેનેજની સમસ્યા હલ કરવાની માગણી દાણીલીમડા કોંગ્રેસના ચારેય કોર્પોરેટરે કરી છે. દાણીલીમડા વોર્ડના મ્યુનિ. કોર્પોરેટર શહેઝાદખાન નાસીરખાન પઠાણે એક યાદીમાં જણાવ્યું છે કે, હેલ્થ ક્વાટ્‌ર્સ, છોટેલાલની ચાલી, સંત રોહીદાસ નગરના છાપરા, મોહન દરજીની ચાલી, રામાપીરની ચાલી, જયમસીહાના છાપરા, ધનજી પરષોત્તમની ચાલી, પંદર ઓરડી, લોઘાની ચાલી, પીરભાઈ ધોબીની ચાલી, રતીલાલ વર્માની લાઠીના છાપરા, માણેક કાછિયાના છાપરા, સ્લમ ક્વાટ્‌ર્સ સાઢિયાવાડી, મનજી કાનજીની ચાલીમાં છેલ્લાં બે વર્ષથી પીવાનું ચોખ્ખું પાણી આવતું નથી તેમજ ઘરોમાં ગટરનું ગંદુ પાણી ઉભરાતા દક્ષિણ ઝોનના અધિકારીઓને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં આજદિન સુધી આ સમસ્યાનો ઉકેલ આવેલ નથી. જેથી તત્કાલ આ ચાલીઓમાં ડ્રેનેજ તેમજ પાણીનું કામ શરૂ કરવામાં આવે તેવી દાણીલીમડા વોર્ડના ચારેય કાઉન્સિલરો દ્વારા માંગ કરવામાં આવેલ છે.