રાજપીપળા, તા.પ
ગુજરાતમાં રાજ્યસરકાર એવો દાવો કરી રહી છે કે પાટીદાર આંદોલન શાંત થઇ ગયું છે અને સમેટાઈ ગયું છે. પરંતુ નર્મદામાં પાટીદાર આંદોલન ફરી ધુણ્યું છે. તાજેતરમાં જ નાંદોદના હજારપરા ગામના પાટીદારોએ રાજપીપળામાં ગણેશ વિસર્જનમાં પાટીદારો અનામત આંદોલનના ઝંડા લઈને જાહેર માર્ગે નીકળતા ભારે આકર્ષણ જામ્યું હતું, સાથે સાથે અનામતની માંગને બુલંદ કરી હતી. તો પાટીદાર આંદોલન સમેટાયાના રાજ્યસરકારના દાવા પર પ્રશ્નાર્થ સર્જાયો છે.નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના હજરપુરા ગામના પાટીદારો ગત રોજ રાજપીપલામાં ગણપતિ વિસર્જનની શોભાયાત્રામાં પાટીદાર અનામત આંદોલનના ઝંડા ફરકાવી જય પાટીદારના નારા લગાવ્યા હતા. અને પાટીદાર અનામત આંદોલન લખેલા બેનર સાથે ડીજેના તાલ સાથે ઝુમતા નાચતા ગણપતિને વિદાય કરવા નીકળ્યા હતા. જોકે ઘણા સમય પછી ફરી આ બેનરો જાહેરમાં આવતા લોકોમાં એક આકર્ષણ જોવા મળ્યું પરંતુ હતું. પણ આંદોલન હજુ સમેટાયું નથી પાટીદારો હજુ પોતાની અનામતની માંગણીને લઈને અડગ છે એવું આ પાટીદારોના ગણપતિ વિસર્જનની શોભાયાત્રાએ સાબિત કરી આપ્યું છે.
આ બાબતે નર્મદા જિલ્લા પાસ કન્વીનર પરેશ પટેલે જણાવ્યું હતું કે અમે અનામત લઈને રહીશું તથા સરકાર હાર્દિકને ખોટી રીતે ફસાવીને તેની ધરપકડ કરે છે તે સાંખી નહિ લઈએ. અમારી સરકારને ચેતવણી છે કે અનામત આપીદે નહીતો ખુબ સહન કરવું પડશે.
ત્યારે લાગી રહ્યું છે કે નર્મદાના પાટીદારો સરકારમાં બદલાવ લાવી પણ શકે છે. તો વિધાનસભાની ચૂંટણી પૂર્વે નર્મદા જિલ્લામાં પાટીદાર આંદોલનનું ભૂત ફરી ધુણતા સરકાર અને ભાજપ સંગઠનમાં સળવળાટ ઉપડ્યો હશે. બીજી બાજુ આ પાટીદાર આંદોલનની ફરી ચળવળ ચાલે તો નવાઈ નહિ.