અમદાવાદ,તા. ૩૧
અમદાવાદ નજીક કરાઇ કેનાલ ખાતે આજે સાંજે ગણેશ વિસર્જન દરમ્યાન ત્રણ યુવકો ડૂબવાના સમાચારને પગલે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયબ્રિગેડના જવાનોએ યુવકોને બચાવવાનું કપરું એવુ રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં મોડી સાંજે એક યુવકનો મૃતદેહ હાથ લાગ્યો હતો, જયારે બીજા બે યુવકોની શોધખોળ ચાલુ રખાઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ નજીક કરાઇ કેનાલ ખાતે આજે ગણેશ વિસર્જન માટે વિવિધ યુવકમંડળો ગણેશની પ્રતિમાઓ લઇ વિસર્જન પ્રસંગ માટે ઉમટયા હતા. એ વખતે સેંકડો લોકોની ભીડભાડ અને ગીર્દીના દ્રશ્યો જોવા મળ્યા હતા. વિસર્જનના આ પ્રસંગ દરમ્યાન અચાનક ત્રણ યુવકો પાણીમાં ડૂબ્યા હતા, જેને લઇ ઉપસ્થિત શ્રધ્ધાળુઓ અને ભીડમાં ચકચાર મચી ગઇ હતી. યુવકો ડૂબવા અંગે તાત્કાલિક જ ફાયરબ્રિગેડને જાણ કરાતાં ફાયરબ્રિગેડના જવાનોનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કરાઇ કેનાલના પાણીમાં ઉંડે સુધી ડૂબેલા યુવકોને બચાવવાનું રેસ્કયુ ઓપરેશન ચલાવ્યું હતુ. ભારે જહેમત બાદ મોડી સાંજે એક યુવકનો મૃતદેહ હાથ લાગ્યો હતો. જો કે, બીજા બે યુવકોને શોધવાના પ્રયાસો ફાયરબ્રિગેડના જવાનોની રેસ્કયુ ટીમે ચાલુ રાખ્યા હતા.