યોગીના યુપીમાં અધમતાની હદ
(એજન્સી) લખનૌ, તા.૨૬
ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાંથી લોહીના કાળા બજારીનો મોટો મામલો સામે આવ્યો છે. એસટીએફએ આ મામલે સાત લોકોની ધરપકડ કરી હતી. આ ગેંગ માનવ રક્તમાં સલાઇન વોટર (ખારુ પાણી) ઉમેરીને એક યુનિટ લોહીમાંથી બે બ્લડ યુનિટ બનાવતી હતી, ત્યાર પછી તેને ૩૫૦૦ રૂપિયે પ્રતિ યુનિટના ભાવથી બજારમાં વેચી દેતી.
૧૫ દિવસની સખત મહેનત અને રેકી પછી ઉત્તર પ્રદેશની એસટીએફએ ગુરૂવારે રાત્રે લખનઉમાં સ્થિત મેડિસિન એન્ડ બ્લડ બેન્ક હોસ્પિટલ અને બીએનકે હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ટીમે ગેંગના મુખ્ય સૂત્રધાર મોહમદ નસીમ અને તેના સાથીઓને રંગેહાથ ઝડપ્યા હતા. નસીમ રક્તમાં ભેળસેળ કરવાનું કામ પોતાના ઘરેથી જ કરતો હતો.
એસટીએફની રિપોર્ટ મુજબ આ ગેંગ લાંબા સમયથી ખૂબ જ ચતુરાઇ પૂર્વક લખનઉ અને આસપાસના વિસ્તારોમાં સક્રિય હતી. તેઓ માનવ રક્તમાં ખારા પાણીની ભેળસેળ કરીને એક બ્લડ યુનિટમાંથી બે બ્લડ યુનિટ બનાવતા હતા. ભેળસેળ કરેલ બ્લડ યુનિટ તૈયાર થયા પછી આ ગેંગ મોટી હોસ્પીટલોના બોગસ ડોનેશન ફોર્મ બતાવીને હોસ્પીટલો અને બ્લડ બેન્કમાં વેચતા હતા. દરોડા દરમિયાન જપ્ત કરેલા બ્લડ યુનિટના નમૂનાઓને ટીમે ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યા છે. આ મામલે એસટીએફએ લખનઉના બે મોટી હોસ્પીટલો અને બ્લડ બેન્કોની તપાસ હાથ ધરી છે. કારણ કે પુરાવા પરથી ટીમને શંકા છે કે આ મામલમાં હોસ્પીટલના પ્રશાસન સાથે બીજા મોટા માથાના લોકોનો પણ હાથ છે.