(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૭
શહેરના મકરપુરા જીઆઈડીસી શાક માર્કેટ પાસે સોમવારની મોડી રાત્રે યુવાન દંપતીને બાનમાં લઈ ત્રણ યુવાનોએ લૂંટ ચલાવી બાદમાં મહિલાને નજીકની ખુલ્લી જગ્યામાં લઈ જઈ બે જણાએ સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. આ ચકચારી બનાવમાં માંજલપુર પોલીસે બળાત્કાર ગુજારનાર બે યુવાનોની ધરપકડ કીર હતી. જ્યારે ત્રીજાને વોન્ટેડ જાહેર કર્યો હતો.
ભારે ચકચાર જમાવનારા બનાવની મળતી વિગત અનુસાર આણંદ જિલ્લાના કરમસદના અને હાલ માંજલપુર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા રાઠવા દંપતીના છ માસ અગાઉ લગ્ન થયા હતા બંને પતિ-પત્ની હાલમાં જીઆઈડીસીની એક કંપનીમાં નોકરી કરે છે. સોમવારે મોડીરાત્રે દંપતી ચાલતા ઘર તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન મકરપુરા જીઆઈડીસી શાક માર્કેટ પાસે રપ વર્ષની આશરાના ત્રણ યુવાનો તેઓની પાસે ધસી આવ્યા હતા.
ત્રણે અજાણ્યા યુવાનોએ દંપતીને ધાક-ધમકી આપી તેમની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન તથા સોનાની બૂટ્ટીઓની લૂંટ ચલાવી હતી. યુવાનોની ચુંગાલમાંથી ભાગેલ દંપતીનો યુવાનોએ પીછો કર્યો હતો. જેમાં મહિલા હાથમાં આવી ગઈ હતી. જેને નજીકના ખુલ્લા મેદાનમાં ઉઠાવી ગયા હતા. જ્યાં બે યુવાનોએ મહિલા ઉપર વારા ફરતી બળાત્કાર ગુજાર્યો હતો. પત્ની નહીં દેખાતા પતિ પાછો ઘટના સ્થળે પત્નીને શોધવા આવ્યો હતો. પત્ની મળતા બંને જણા ઘરે આવ્યા હતા. જ્યાં મકાન માલિક સંજયભાઈ રાજપૂતને તમામ હકીકત જણાવતા તેમણે માંજલપુર પોલીસને જાણ કરી હતી. ભોગ બનેલ દંપતીને સાથે રાખી મકાન માલિક ઘટના સ્થળે ગયા હતા. જ્યાં પોલીસ પણ આવી ગઈ હતી.
પોલીસે હવસખોર જયદીપ અજબસિંહ પટેલ (રહે.૩૬ મહાદેવનગર અબવાનાકા, માંજલપુર) અને સત્યમ અશોકભાઈ પાંડે (રહે.ગોવર્ધન પાર્ક – ૩ અલવા નાકા માંજલપુર)ને ઝડપી પાડી ધરપકડ કરી હતી. જ્યારે આ ગુનામાં મદદ કરનાર અજય પટેલ (રહે. સોમનાથનગર અલવાનાકા, માંજલપુર) ફરાર થઈ જતા તે હાથ લાગ્યો ન હતો. પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. ભોગ બનેલી યુવતી તથા બંને આરોપીઓને પોલીસ આજે તબીબી તપાસ અર્થે સયાજી હોસ્પિટલમાં લઈ આવી હતી.