(એજન્સી) પનહાઈ, તા.૩
ચેન્નાઈની પટણા જઈ રહેલી ગંગા-કાવેરી એક્સપ્રેસમાં રવિવારે અડધી રાત્રે માલેકપુર-અલ્હાબાદ રૂટ પર પનહાઈ આઉટર પાસે લૂંટ મચાવવામાં આવી હતી. ટ્રેનમાં બેસેલા ૧૮ લૂંટારૂઓએ ટ્રેનની છ બોગીઓમાં લગભગ પોણા બે કલાક સુધી લૂંટફાટ કરી હતી. લૂંટારૂઓએ વિરોધ દર્શાવનારા ૧ર યાત્રીઓને ઈજા પહોંચાડી હતી. તેમાંથી છ યાત્રીઓને છરીના ઘા ઝીંકી લોહીલુહાણ કરી નાખ્યા હતા. ત્યારબાદ લૂંટારૂઓ જંગલમાં નાસી છૂટ્યા હતા. સૂચના મળતા જ ડીઆઈજી ભારે પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે લૂંટારૂઓની શોધમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. ઘાયલ મુસાફરોને તેજ ટ્રેન દ્વારા અલ્હાબાદ મોકલવામાં આવ્યા હતા. ગંગા-કાવેરી એક્સપ્રેસ નંબર ૧ર૬૬૯ રવિવારે સાંજે ચેન્નાઈથી પટણા જઈ રહી હતી. ટ્રેન માણિકપુર જંકશનથી રાત્રે એક વાગીને પ મિનિટે અલ્હાબાદ માટે રવાના થઈ હતી. માણિકપુર સ્ટેશન વિસ્તારના જ પનહાઈ રેલવે સ્ટેશનને પાર કરતા જ લગભગ બે કિલોમીટરના અંતરે આઉટરમાં એક વાગીને ર૭ મિનિટે લૂંટારૂઓએ ચેન પુલિંગ કરી ટ્રેન રોકી દીધી હતી. ટ્રેન રોકાતા જ હથિયાર, ચાકુ, છરી લઈને બોગીઓમાં લૂંટાફટ શરૂ કરી દીધી હતી. લગભગ ૧૮ લૂંટારૂઓએ ટ્રેનની એસ ૩થી લઈને એસ ૯ સુધીની બોગીઓમાં લૂંટફાટ કરી હતી. આ તમામ બોગીઓ રિઝર્વેશન વાળી હતી. ટ્રેનના ગાર્ડે અનેકવાર ચેન પુલિંગ રિપેર કરી અને ટ્રેન ચલાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ટ્રેન ચાલવાનો હોર્ન વાગતા જ લૂંટારૂઓ ચેન પુલિંગ કરી રોકી દેતા હતા. આઉટર પર જ ટ્રેન એક કલાક ૪૬ મિનિટ રોકાઈ હતી. ત્યાં સુધી લૂંટારૂઓએ લૂંટફાટ કરી હતી. વિરોધ કરી રહેલા યાત્રીઓને લૂંટારૂઓએ છરીના ઘા ઝીંકી ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા. લૂંટારૂઓએ મહિલાઓના ઘરેણા અને રોકડ સહિત સંપૂર્ણ સામાન લૂંટી લીધો હતો. ત્યારબાદ જંગલ વિસ્તારમાં નાસી છૂટ્યા હતા. ઘાયલ મુસાફરોને અલ્હાબાદમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટ્રેન અલ્હાબાદ પહોંચતા જ પોલીસને લૂંટની જાણકારી મળી હતી. લૂંટની જાણકારી મળતાં જ વહીવટી તંત્રમાં ભાગદોડ થઈ ગઈ હતી. પોલીસ સુપ્રિટેન્ડેન્ટ મનોજકુમાર ઝા, અપર એસપી બલવંત ચૌધરી, એસઓ માણિકપુર કેપી દુબે ભારે પોલીસ ફોર્સની સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસને રેલવે લાઈનના છેડે બે બેગ મળી આવ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે લૂંટફાટ દરમિયાન લૂંટારૂઓ મુસાફરોના બેગ છોડીને ભાગી ગયા છે. પોલીસે ડોગ સ્કોર્ડની મદદથી લૂંટારૂઓની તપાસ શરૂ કરી દીધી છે. અત્યારસુધી પોલીસને કોઈ પણ પુરાવા મળ્યા નથી.