(એજન્સી) ભદોહી, તા.૧૯
ઉત્તરપ્રદેશના ભદોહીથી ભાજપના ધારાસભ્ય રવિન્દ્રનાથ ત્રિપાઠી સહિત સાત લોકોની વિરૂદ્ધ બુધવારે ગેંગરેપનો કેસ દાખલ કરાયો હતો. પોલીસ અધિક્ષક રામ બદગસિંહે જણાવ્યું કે, એક મહિલાએ ગત ૧૦ ફેબ્રુઆરીની ઘટનાની આપવીતી જણાવતા આરોપ લગાવ્યો હતો કે તેની સાથે ભાજપ ધારાસભ્ય રવિન્દ્રનાથ ત્રિપાઠી અને તેમના સાથીઓ સંદીપ, સચિન, ચંદ્રભૂષણ, દીપક, પ્રકાશ અને નીતેશે એક હોટલમાં એક મહિના સુધી વારંવાર રેપ કર્યો હતો. આ ઉપરાંત એક વખત તે ગર્ભવતી બની તો તેનો ગર્ભપાત કરાવ્યો હતો. ભદોહી ધારાસભ્ય રવિન્દ્ર ત્રિપાઠી તથા અન્ય પારિવારિક સભ્યો પર લગાવવામાં આવેલ આરોપના સંબંધમાં પોલીસ સ્ટેશન ભદોહી પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, મામલાની તપાસ પોલીસ અધિક્ષક રવિન્દ્ર વર્માને સોંપવામાં આવી છે. મહિલાના નિવેદન અને હોટલ સહિત તમામ બિંદુઓ પર તપાસ બાદ આજે ભાજપ ધારાસભ્ય સહિત સાત આરોપીઓ પર મામલો દર્જ કરવામાં આવ્યો છે. સિંહે જણાવ્યું કે મહિલાને મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લીધા બાદ મેડિકલ તપાસ બાદ આગળની કાર્યવાહી થશે. હાલમાં ધરપકડ નહીં થાય. ધારાસભ્ય ઉપરાંત તેના ત્રણ પુત્રો અને ત્રણ ભત્રીજાની વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ર૦૧૭માં વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપ ધારાસભ્ય રવિન્દ્રનાથ ત્રિપાઠીએ તેની સાથે રેપ કર્યો. ત્યારબાદ ધારાસભ્યના ભત્રીજાઓએ અને પુત્રોએ પણ અલગ અલગ દિવસે રેપ કર્યો હતો. મહિલાએ પોતાના પત્રમાં આરોપ લગાવ્યો હતો કે, ર૦૧૪માં ધારાસભ્યના ભત્રીજા સાથે તેની મુલાકાત મુંબઈ જતાં સમયે ટ્રેનમાં થઈ હતી. ટ્રેનમાં બન્નેની સારી એવી મિત્રતા થઈ ગઈ. બન્નેને એકબીજાના મોબાઈલ નંબર બદલ્યા. ત્યારબાદ લગ્નનું કહીને ધારાસભ્યના ભત્રીજાએ ઘણા વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કર્યું હતું. મહિલાની ફરિયાદ પર ભદોહી પોલીસ સ્ટેશનમાં ૩૭૬(ડી), ૩૧૩, પ૦૪, પ૦૬ આઈપીસી કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ભદોહીના પોલીસ અધિક્ષક રામ બદનસિંહે જણાવ્યું કે, ધારાસભ્ય અને અન્ય લોકો પર કેસ દાખલ કરી પોલીસ તપાસમાં લાગી ગઈ છે. તપાસ બાદ જે મુજબના તથ્યો સામે આવશે એ હિસાબથી આગળ કાર્યવાહી કરવામાં આવશે.