(એજન્સી) લખનૌ, તા.૬
બળાત્કાર પીડિતાઓ પ્રત્યે પોલીસનું ઉદાસીન વલણ સાબિત કરતી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. ઉત્તરપ્રદેશના ગોન્ડા શહેરમાં મહિલાએ આરોપીનો કાપેલો કાન પુરાવા તરીકે રજૂ કર્યા બાદ જ પોલીસે ફરિયાદ નોંધી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસ દ્વારા આરોપી પાડોશીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ ન કરાતાં મહિલાએ આ ગંભીર પગલું ઉઠાવ્યું હતું. બે નિષ્ફળ પ્રયાસો બાદ મહિલા કથિત રીતે તેના પાડોશીનો કાન કાપવામાં સફળ રહી હતી અને તેને વરિષ્ઠ પોલીસ અધિકારી સમક્ષ રજૂ કર્યો હતો.
મહિલાના આ પગલાં બાદ પોલીસને ફરિયાદ નોંધવાની ફરજ પડી હતી. મહિલાએ આરોપ મૂક્યો છે કે તેના ચાર પાડોશીઓ રાત્રે તેના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને તેના પર બળાત્કાર કર્યો હતો. પોલીસે ત્રણ વ્યક્તિઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જેમાં ઘતૌલી ગામના રવિનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ મહિલાએ રવિનો કાન કાપ્યો હતો. ગત વર્ષે દેશમાં ૩૦,૦૦૦ બળાત્કારના કેસ નોંધાયા હતા જેમાંથી રાજધાની દિલ્હીમાં સૌથી વધુ બળાત્કારના બનાવો બન્યા હતા.
એન.સી.આર.બી.ના ર૦૧૪ રિપોર્ટ અનુસાર દુષ્કર્મના કેસમાં ભારતમાં ર૦૧૦થી ર૦૧૪ વચ્ચે ૬પ ટકાનો વધારો થયો છે. ર૦૧૦માં રર.૧૭ર કેસ નોંધાયા હતા જ્યારે ર૦૧૪માં ૩૬,૭૩પ કેસ નોંધાયા હતા. ઉત્તરપ્રદેશમાં ૧ર૧ ટકાના વધારો સાથે ર૦૧૦માં ૧પ૬૩ કેસમાં નોંધાયેલા ર૦૧૪માં ૩,૪૬૭ કેસ નોંધાયા હતા.