(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા. ૧
છોટાઉદેપુરથી વડોદરામાં જીપમાં લાવવામાં આવેલા ગાંજા સાથે એસઓજી પોલીસે પાંચ જણાંને ઝડપી પાડયા હતા. પોલીસે રૂા.૧.૫૨ લાખની કિંમતનો ૨૧.૭૯૦ કિલો ગ્રામ કિલોનાં ગાંજાના જથ્થા, જીપ, બાઇક સહિત રૂા.૮ લાખનાં મુદ્દામાલ સાથે પાંચ જણાંની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર, એસઓજી પોલીસમાં ફરજ બજાવતા હે.કો. કમાલુદ્દીન હબીબમીયાને બાતમી મળી હતી કે, મોહંમદહુસેન ઉસ્માનભાઇ મન્સુરી (રહે. પાણીગેટ, જી.ઇ.બી. ઓફિસ પાસે) ગાંજાનો ધંધો કરે છે. આ બાતમીને આધારે પો.ઇ. એચ.એમ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે નેશનલ હાઇવે પાસેની કપુરાઇ ચોકડી નજીક નવી બંધાઇ રહેલ સિધ્ધેશ્વર બિઝનેસ હાર્બર પાસે વોચ ગોઠવી હતી. તે વખતે છોટાઉદેપુર જિલ્લાનાં કવાંટ તાલુકાનાં ચીચલા ગામનો રાકેશ અંબુભાઇ રાઠવા તથા કવાંટના સીંગલડા ગામનો નવીન વિઠ્ઠલ રાઠવા જીપમાં ગાંજાનો જથ્થો લઇને આવ્યા હતા. તેમની જીપને મોહંમદ હુસેન મન્સુરી તથા અમઝદ ઇબ્રાહીમભાઇ મકરાણી (રહે. રાજારાણી તળાવ પાસે, પાણીગેટ) બાઇક લઇને પાયલોટીંગ કરતાં હતા.
જ્યારે પાણીગેટ વાયડાવાડી કબ્રસ્તાન પાસે રહેતો તાલીમહુસેન ગુલામ મોહંમદ દિવાન પણ રીક્ષા લઇને આવ્યો હતો. આ પાંચેય જણાં જીપમાંથી ગાંજાનો જથ્થો રીક્ષામાં મુકી રહ્યાં હતા. તે વખતે પોલીસે છાપો માર્યો હતો. પોલીસે રૂા.૧.૫૨ લાખની કિંમતનો ગાંજો જીપ, રીક્ષા,બાઇક તથા ૬ મોબાઇલ ફોન તેમજ અંગ જડતી કરતાં રૂા.૩૨,૯૮૦ મળી રૂા.૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે તમામ આરોપીઓ સામે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની તપાસ ક્રાઇમ બ્રાંચના પો.ઇ. ડી.જે. ચુડાસમાએ આરંભી છે.