અમદાવાદ,તા.૧૧
અમદાવાદ રેલવે એલસીબી અને રેલવે પોલીસની ટીમે અમદાવાદ-પુરી એક્સપ્રેસના કોચમાં આવેલા શૌચાલયની છતમાં પાણીની ટાંકીના ભાગે સંતાડેલો ગાંજાનો જથ્થો ઝડપી પાડતાં ભારે ચકચાર મચી ગઇ હતી. રેલ્વે પોલીસે બિનવારસી હાલતમાં રૂ. ૧.૩૫ લાખની કિંમતનો ૧૧ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરી અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગાંજાના જથ્થા અંગેની ચોકક્સ બાતમીના આધારે એલસીબીના પીઆઇ આર.એમ દવે અને અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશન પી આઈ આર.એમ. ચુડાસમા સહિતના અધિકારીઓએ અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેનના કોચમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સઘન તપાસના અંતે પોલીસે કોચના શૌચાલયની છતમાં પાણીની ટાંકીના ભાગે પ્લાયવુડ હટાવીને જોતાં સેલોટેપ વીંટાળેલી હાલતમાં વ્યવસ્થિત રીતે પેક કરેલા ગાંજાના ૧૧ પેકેટ મળી આવ્યાં હતાં. કોઈ અજાણી વ્યક્તિએ કોચમાં આવેલા શૌચાલયની છતમાં આ ગાંજાનો જથ્થો મૂકી અમદાવાદ પહોંચાડયો હોવાનું પોલીસ માની રહી છે. રેલવે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ નાર્કોટીક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પુરી એક્સપ્રેસમાં શૌચાલયમાંથી જ મોટા પ્રમાણમાં પેકિંગ કરેલી હાલતમાં ગાંજાનો જથ્થો ઝડપાયો હતો જો કે તેના હજી સુધી આરોપીઓ રેલવે પોલીસને મળ્યા નથી. ત્યારે ફરી એકવાર ગાંજો મળવાની ઘટનાને પગલે ફરી એકવાર રેલ્વે પોલીસની તપાસ સામે સવાલ ઉઠયા છે. પોલીસે ગાંજાનો જથ્થો મૂકનારા અજાણ્યા શખ્સને લઇ શોધખોળ શરૂ કરી છે.