(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.૧૬
ભાવનગરના સરદાર નગર પન્ના પાર્કમાં રહેતા અને સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં અભયાસ કરતો મનન વિરલભાઈ શાહ અને તેના મિત્રો ભેગા મળી ગાંજાનું સેવન કરીને નશાના રવાડે ચડી ગયા હતા. અમદાવાદ ખાતે ઈ-પેમેન્ટ દ્વારા પૈસા મોકલી ગાંજાનો જથ્થો કુરિયર અને બસમાં પાર્સલ બોક્સ પેકિંગ કરી મંગાવતા હતા. જેની પોલીસને બાતમી મળતા પોલીસે મનન શાહ એક્ટિવામાં ગાંજાનો જથ્થો લઈ જતા રબડની ફેક્ટરીના પાછળના ભાગેથી નીકળતા તેને ગાંજાના ૧૧ પેકેટ (કિં.રૂા.૩પ૦પ૦)ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. શાળા કોલેજોમાં અભ્યાસ કરતા સારા ઘરના નબીરાઓ નશાના રવાડે ચડી પોતાની જિંદગી બરબાદ કરતા હોય છે. જેથી પરીવારે સમાજમાં નીચા-જોણું કરવું પડે છે. સમાજના આવા યુવાધનને નશાની ચુંગાલમાંથી બહાર લાવવા પોલીસે શાળા-કોલેજ સહિતના વિસ્તારોમાં વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી છે. જે લોકો અને શાળા-કોલેજો માટે લાલબત્તી સમાન છે.