(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૮
રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવા સામે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો થતાં ભાજપ સરકાર ફરી વિવાદમાં સપડાઈ છે. જો કે આ ગંભીર આરોપો સરકારના જ પૂર્વ સનદી અધિકારી અને એડવોકેટ દ્વારા કરી મંત્રી વિરૂદ્ધ અપ્રમાણસર મિલકત અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો હેઠળ ગુનો દાખલ કરી ન્યાયિક તપાસની માંગણી કરતાં એસીબીના ડાયરેકટરને તે અંગે નિર્ણય લેવા હાઈકોર્ટે હુકમ કર્યો હતો તે પછી પણ હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતાં હવે ફરીવાર હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી પૂર્વ સનદી અધિકારી દ્વારા આપવામાં આવતાં રાજ્યમાં ચકચાર વ્યાપી જવા પામી છે.
મંત્રી ગણપત વસાવા વિરૂધ્ધ આજે મીડિયા સમક્ષ આવી જાહેરમાં ગંભીર આરોપ લગાવતાં પૂર્વ સનદી અધિકારી અને ગુજરાત હાઇકોર્ટમાં વકીલાતની પ્રેકટીસ કરતાં જગતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ૧૧ જિલ્લાઓમાં આદિવાસી વિસ્તારોમાં સ્થાનિક આદિવાસી પ્રજાના કલ્યાણ અને ઉત્કર્ષ માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર
જે બજેટ ફાળવે છે તેનો ખરા અર્થમાં ઉપયોગ થતો નથી અને તેમાં મોટાપાયે ગંભીર ભ્રષ્ટાચાર આચરાય છે. આ ભ્રષ્ટાચારમાં મુખ્ય સૂત્રધાર તરીકેની ભૂમિકા બીજું કોઇ નહી પરંતુ ખુદ રાજયના વન મંત્રી ગણપત વસાવા ભજવી રહ્યા છે. મંત્રી વસાવાએ વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણી સંદર્ભે જે સોગંદનામું રજૂ કર્યું હતું, તે જોતાં તેમની ભ્રષ્ટાચારની અને અપ્રમાણસર મિલ્કતની વિગતો સ્પષ્ટ થાય છે. મંત્રી વસાવાની કુલ આવક રૂ.૧.૭ કરોડની સામે રૂ.ત્રણ કરોડથી વધુની સંપતિ જણાઇ છે. મંત્રી વસાવાની કુલ સંપત્તિ રૂ.૭૭ કરોડથી પણ વધુની થવા જાય છે. જયારે બેનામી સંપત્તિ રૂ.૧૧૬ કરોડથી વધુની થવા જાય છે. આમ, આવક કરતાં વધુ અપ્રમાણસર મિલ્કત અને બેનામી સંપતિના પ્રકરણમાં મેં એસીબી, ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ સહિતના સત્તાવાળાઓને મંત્રી ગણપત વસાવા, તેમના પત્ની નીલમબહેન, કોસંબા માંગરોળ ખાતે રહેતા રાકેશ રણજીત સોલંકી અને ગાંધીનગરના કનૈયાલાલ ગાંડાલાલ દેસાઇ વિરૂધ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટની કલમ- ૧૩(ઇ), ૧૩(૨) હેઠળ ગુનો દાખલ કરવા અને સમગ્ર મામલામાં ન્યાયિક તપાસ કરવા ઉગ્ર માંગણી કરી છે. જો કે, હજુ સુધી એસીબી કે ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઇ જ કાર્યવાહી ન થતાં હવે ફરીથી હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે. જગતસિંહ વસાવાએ ઉમેર્યું કે, એકબાજુ, બીપીએલ આદિવાસીઓ તેમના ઉત્કર્ષ અને કલ્યાણની રાહ જોતા બેઠા છે ને બીજીબાજુ, અગાઉ આદિવાસીઓના નામે ૮૩ એનજીઓને રૂ.૧૭૩૧ કરોડ ફાળવાયા હતા, તેનો હિસાબ પણ મંત્રી વસાવા આપી શકયા નથી. ભાજપ સરકાર અને ખુદ એસીબી, આઇટી ડિપાર્ટમેન્ટ સહિતના સત્તાવાળાઓ તેમને બચાવી રહ્યા છે.