સુરત, તા. રર
સુરત શહેરના સલાબતપુરા મોમનાવાડના તાજીયા ઠંડા કરી પોતાના મૂળ સ્થળે પરત જતી વેળા રાત્રે બેગમપુરા મુંબઇવડ ખાતેથી પસાર થતી વેળા તાજીયાની સાથે રહેલ મુસ્લિમ યુવાનો યા હુસૈનના નારા કરતી વેળા સ્થાનિક કક્ષાએ બેસેલા ગણપતિના પંડાલ પાસેના યુવાનોની નારાબાજી કર્યા બાદ બંને પક્ષના યુવાનો વચ્ચે શાબ્દીક બોલાચાલી બાદ સમગ્ર વિસ્તારમાં મોડી રાત્રીએ તંગદિલી વ્યાપી ગઇ હતી, પરંતુ પોલીસે સ્થળ ઉપર પહોંચી મામલો થાળે પાડી ભારે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
આ અંગે વિશેષમાં પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ વર્ષે હિન્દુ મિલન મંદિરના સંત સ્વામી અમરિષાનંદજી મહારાજના હસ્તે તથા સુરતના મેયર જગદીશ પટેલ અને પો.કમિ. સતીષ શર્મા તથા સ્ટેન્ડિંગ કમિટિ ચેમરેન, માજી પ્રમુખ કદિર પીરઝાદા અને સુફીસંત મહેબુબઅલી બાવાના હસ્તે ટ્રોફિનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સંપૂર્ણ કોમી એકતાના માહોલમાં નિકળેલ જુલુસ રાત્રે ૧ર થી ૧ની વચ્ચે હોડી બંગલા ખાતે કોઇપણ અનિચ્છનિય બનાવ વગર પૂર્ણ થતા તાજીયાઓ પોતપોતાના રૂટ ઉપર રાત્રે પરત થતી વેળા સલાબતપુરા મોમનાવાડના તાજીયા બેગમપુરા મુંબઇવડ ખાતેથી પરત થતી વેળા તાજીયાઓ સામે રહેલ નાની વયના છોકરાઓ ઉન્માદમાં આવી યા હુસૈનના નારા લગાવી રહ્યાં હતા. ત્યારે મુંબઇવડ ખાતે સંતોષી યુવક મંડળ દ્વારા સ્થાપેલ ગણપતિ પંડાળમાંથી કેટલાક છોકરાઓ પણ બહાર આવી સુત્રોચ્ચાર ન કરવાનું કહ્યું હતું પરંતુ છોકરાઓ નારા લગાવી રહ્યાં હતા, દરમિયાન પંડાળના છોકરાઓ પણ ગણપતિ બાપ્પાના સુત્રોચ્ચાર વચ્ચે બંને પક્ષે ગાળા-ગાળી થઇ હતી, જેથી તાજીયામાં રહેલ છથી સાત જેટલા અણસમજુ યુવાનો ઉશ્કેરાટમાં આવી જઇ ગણપતિ પંડાળમાં પ્રવેશી ગયા હતા. ંતે અંગેની જાણ ઉચ્ચ પોલીસ અધિકારી અને તાજીયા કમિટીના મેમ્બર્સને થતા તમામ બેગમપુરા મુંબઇવડ ખાતે ધસી સંતોષી ગણપતિ મંડળના યુવાનો વડીલોને મળતા મામલાને શાંત પાડવાના પ્રયાસ આદર્યા હતા. દરમિયાન સુરત શહેર તાજીયા કમિટીના પ્રમુખ બાબાભાઇ એન્જિનિયર અને ગણપતિ પંડાલના યુવાન યોગેશભાઇ તથા ઉચ્ચ પોલીસ અધિકારી વચ્ચે ગતરોજ રાત્રીએ સમાધાનકારી વાતચીત થઇ ગઇ હતી અને સમાધાન થઇ ગયુ હતુ, પરંતુ પંડાલના યુવાનોની માંગણી હતી કે તોડફોડ કરનાર યુવાન ઇમરાન ઉર્ફે સલમાન જાહેરમાં માફી માંગે એ વાતને માન્ય રાખી વહેલી સવારે જ સલાબતપુરા મોમનાવાડ ખાતે રહેતા ઇમરાન ઉર્ફે સલમાન હનિફ રાજભરાને પોલીસને સોંપવામાં આવ્યો હતો.
દરમિયાન આ અંગે સલાબતપુરા પોલીસ મથકના પો.ઇ. વિજય ચૌધરીએ જણાવ્યું હતું કે ગઇકાલે બંને પક્ષે સમાધાન થઇ ગયા બાદ આજે સવારે ઇમરાન રાજભરાને લઇ જઇ બેગમપુરા મુંબઇવડ જય સંતોષી યુવક મંડળના પંડાલમાં લઇ જઇ પંડાળવાળા પાસે જાહેરમા માફી મંગાવી હતી. અને પરત પોલીસ મથકે લાવી તેના વિરુધ્ધ આકાશ ધનસુખભાઇ પટેલ (રહે. બેગમપુરા)એ આપેલ ફરિયાદને અનુસંધાને પોલીસે ફોજદારી કાયદાની કલમ ૧પ૫ હેઠળ ઇપીકો કલમ ૩૯૫ (ક) ૧૪૩, ૧પ૩ (એ) ૪ર૭, પ૦૪, ૫૦૬ (ર) મુજબનો ગુનો દાખલ કરી ઇમરાન ઉર્ફે સલમાન મો.યાસીન સેટવાલા, અસલમ જીવાશેટ, ફારુક રાજબરા, યુસુફ જીવાશેટ તથા બીજા અન્ય મુસ્લિમ બિરાદરોના માણસો જેમના નામ ઠામની ખબર નથી તેમના વિરુધ્ધમાં ગુનો દાખલ કરી પાંચ જણાની ધરપકડ કરી હતી.
પરંતુ સામે પક્ષે પણ સુત્રોચ્ચાર કરી ગાળા ગાળી પ્રથમ થયા બાદ આ મામલો ઉત્પન્ન થયો છે. તો આ પ્રશ્ન બાબતે પો.ઇ. પાસે કોઇ ઉત્તર ઉપસ્થિતિ ન હતો. પરંતુ સલાબતપુરા પોલીસ મથકે આજે સવારે ચાલી રહેલ કાર્યવાહી દરમિયાન પ૦૦ ઉપરાંતના બહુમતિ કોમના ટોળાએ ઘેરી વળતા સલાબતપુરા વિસ્તારના મુસ્લિમ મહોલ્લામાં ભયનો માહોલ પેદા થયો હતો, આટલા મોટા ટોળા એકત્ર થતા પોલીસે ભારે બંદોબસ્ત પો.સ્ટે. ખાતે ગોઠવી દીધો હતો. પરંતુ ટોળામાં ઉશ્કેરાટ ફેલાવવા માટે કટ્ટરપંથી સંસ્થાઓના સભ્ય સ્પષ્ટપણે દેખાતા હતા. તેમજ કટ્ટરપંથી સંસ્થાના કેટલાક આગેવાનો સલાબતપુરા પી.આઇ. ચૌધરીને રૂબરૂ મળી ઇમરાન રાજભરાને પોતાને સોંપી દેવા અથવા જાહેરમાં માફી નહિં પરંતુ જાહેરમાં પોલીસ દ્વારા જ માર મારવામાં આવે તેવી માંગણી કરી સુત્રોચ્ચાર કર્યા હતા. પરંતુ પોલીસે કુનેહ વાપરી મામલો થાળે પડે તે માટે ભારે બંદોબસ્ત ગોઠવી દઇ, કટ્ટરપંથીની કોઇપણ માંગણીને ન સ્વીકારી કાયદેસર કાર્યવાહી કરી હતી. પરંતુ કટ્ટરપંથી સંસ્થામાં રહેલ અસામાજીક તત્વો શહેરના વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરી રહ્યાં હોવાનું જાણવા મળે છે.

તાજિયા જુલૂસના રૂટ પર ગણપતિના મોટા પંડાલ બની ગયા હોવાથી નીકળી શકે તેમ ન હતા

સુરત, તા. રર
મોહરમ અને ગણેશ ઉત્સવ બે ધાર્મિક તહેવાર સાથે આવતા તે માટે સલાબતપુરા પોલીસ મથક ખાતે થયેલ એક મિટીંગમાં બેગમપુરા મુંબઇવડ અને આજુબાજુના ગણપતિ પંડાળોએ જણાવેલ કે, તેમના ગણપતિના પંડાળ મોટા છે. માટે તાજીયા ત્યાંથી નિકળી શકતા ના હોવાથી આ ગણેશ પંડાળવાળાઓના કહેવા અનુસાર સુરતમાં સૌ પ્રથમ તાજીયાઓના શહાદતની રાત્રીનો રૂટ સુરત તાજીયા કમિટી દ્વારા મંજૂર રાખી ઐતિહાસીક નિર્ણય લઇ કોમી એકતાનો સંદેશો પુરો પાડી રૂટ બાબતે બલીદાન આપ્યો હતો. પરંતુ ગતરોજ એ જ ગણપતિ મંડળના યુવાનો સાથે થયેલ તકરારથી ડહોળાયેલ વાતાવરણથી સલાબતપુરા મુસ્લિમ વિસ્તારમાં ગતરોજ રાત્રી લઇ આજે પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
દરમિયાન સલાબતપુરા વિસ્તારમાંથી મોહર્રમના નવમા ચાંદ એટલે કે તા.ર૦મી સપ્ટેમ્બરના રોજ શહાદતની રાત્રે જે વર્ષોથી જુનો રૂટ સળીયાવાળા માર્કેટથી ભુલા મોદીનો ચકલો, મુંબઇવડ, દેવડી, ગધેવાન, નવાબવાડી, ઇનદરપુરા જેવા વિસ્તારોમાંથી તાજીયાઓનું જુલુસ નિકળતુ હતુ.
પરંતુ આ રૂટ ઉપર ગણપતિના મોટા પંડાળ બની ગયા હોવાથી આ રૂટ પરથી તાજીયાઓનું જુલુસ પસાર થઇ શકે એવી પરિસ્થિતિ ન હતી, દરમિયાન સલાબતપુરા પો.સ્ટે.માં પી.આઇ. ચૌધરીની આગેવાનીમાં મળેલ મિટીંગમાં મુંબઇવડ જય સંતોષી મંડળ અને આજુબાજુ મહોલ્લાના ગણપતિ મંડળ વાળાઓએ શહાદતની રાત્રીનો નવો રૂટ લખી આપતા જેને સુરત શહેર તાજીયા કમિટીના પ્રમુખ બાબાભાઇ એન્જિનિયરે કોઇપણ જાતનો વિરોધ કર્યા વગર આ નવા રૂટને સ્વીકારી લઇ ગણપતિ મંડળના પંડાળોને તકલીફ ન થાય તેની પુરેપુરી તકેદારી રાખી ઐતિહાસીક નિર્ણય લઇ બલીદાન આપ્યું હતું. પરંતુ તાજીયા ઠંડા થયા બાદ પરત ફરેલ તાજીયાવાળાઓ સાથે આ જ મંડળના લોકો દ્વારા થયેલ બનાવથી સમગ્ર તાજીયા બનાવનારાઓમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે.

બહુમતી કોમના નેતાઓ-કટ્ટરપંથી સંસ્થાના નેતાઓએ સવારથી પોલીસ સ્ટેશનમાં ધામો નાંખ્યો

સુરત, તા. રર
સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં કોમી તંગદીલીનું વાતાવરણ ઉપસ્થિત થતા ગણેશના પંડાળ ખાતે બહુમતિ સમાજના નેતાઓનું આગમન છેક સલાબતપુરા પોલીસ સ્ટેશન સુધી રહ્યું હતું. પરંતુ કહેવાતા કોમી એકતાના હિમાયતી એવા એકપણ મુસ્લિમ નેતા સ્થળ ઉપર પણ કે સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે પણ ઉપસ્થિત ના રહેતા આ બાબતની નોંધ શહેરના મુસ્લિમ સમાજના લોકોએ લઇ આવા નેતાઓ પ્રત્યે રોષની લાગણી વ્યક્ત કરી હતી.આ અંગે વિશેષમાં પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના રાજમાર્ગ પરથી નિકળેલ જુલુસ સંપૂર્ણ કોમી એકતાના માહોલમાં પૂર્ણ થઇ જેમાંથી પરત પોતાના સ્થાને જઇ રહેલ તાજીયાના સંચાલકો સાથે મુંબઇવડ ખાતે ગણેશ પંડાળના યુવકો જોડે થયેલ માથાકુટના અંતે સુરત શહેર તાજીયા કમિટીના હોદ્દેદારો દ્વારા અને ગણેશ યુવક મંડળોના હોદ્દેદારો દ્વારા તાત્કાલીક રાત્રે મિટીંગ થઇ હતી જેમાં બંને પક્ષે સમાધાનકારી વલણ અપનાવી શહેરમાં કોમી એખલાશનો વાતાવરણ જળવાઇ રહે તેવા પ્રયત્નો આદર્યા હતા. ત્યારબાદ મોડી રાત્રીના સુમારે બહુમતી કોમના કેટલાક નેતાઓ અને કટ્ટરપંથી સંસ્થાના નેતાઓ ગણેશ મંડળોને મળી તેમની સાથે જોડાયા હતા અને આ બધા નેતાઓ જ આજે સવારથી સલાબતપુરા પોલીસ મથકે ધામો નાખી પડયા પાથર્યા રહી એક તરફી વાતાવરણ ઉપસ્થિત કરવાના પ્રયત્નો આદર્યા હતા. પરંતુ બહુમતીના નેતાઓને તેમના લક્ષ્યને પાર ના પાડવા માટે સ્થાનિક કોઇપણ મુસ્લિમ નેતા કે કહેવાતા કોમી એકતાના હીમાયતા એવા કોઇપણ મુસ્લિમ નેતા ઉપસ્થિત ન રહી બહુમતિના નેતાઓને સમજાવ્યા ન હોવાના બનાવની જાણ સમગ્ર મુસ્લિમ વિસ્તારમાં થતા આવા મુસ્લિમ નેતાઓ પ્રત્યે મુસ્લિમોમાં રોષની લાગણી જોવા મળી રહી હોવાનું જાણવા મળે છે.