અમદાવાદ, તા.૧૦
અમદાવાદમાં સિઝનલ સ્વાઇન ફ્લૂએ ભયભીત કર્યા છે. સિઝનલ સ્વાઇન ફ્લૂ વાઇરસથી ફેલાતો ચેપી રોગ હોવાથી આજથી શરૂ થનારા નોરતા દરમ્યાન શ્રદ્ધાળુઓમાં આ ચેપી રોગ ફેલાઇ નહીં તેની તકેદારીરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બેનર મુકાશે.
આમ તો રાજ્યના આરોગ્ય વિભાગે તમામ કલેકટર અને જિલ્લા પોલીસ અધીક્ષકને ગરબાના સ્થળોએ બીમાર રોગગ્રસ્ત વ્યક્તિને પ્રવેશ આપવાની ગાઇડલાઇન સોંપી છે. આ શરતનો ભંગ કરનાર આયોજકોની પરમિશન રદ કરવાની સૂચના પણ અપાઇ છે. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળા દ્વારા શહેરમાં ગરબાના સ્થળોએ બીમાર વ્યક્તિને પ્રવેશ ન આપવાની બાબતને નકારી કાઢી છે. જાણકાર સૂત્રો કહે છે કે, જે કોઇ વ્યક્તિને તાવ, ખાંસી, ઉધરસ જેવા લક્ષણ હશે તો તેમણે ગરબાના સ્થળથી નજીક આવેલા અર્બન હેલ્થ સેન્ટ્રલનો સંપર્ક કરવાનો રહેશે. જ્યાં દવા સહિતની તમામ સારવાર વિનામૂલ્યે અપાશે. ગત વર્ષ ર૦૧૭ની સરખામણીમાં આ વર્ષે સ્વાઇન ફ્લૂનો પ્રકોપ ઓછો છે. ગત વર્ષે સ્વાઇન ફ્લૂના કુલ ર૦૧૬ કેસ નોંધાઇને ૧પ૦ જેટલા દર્દીને ભરખી ગયો હતો જ્યારે તેની સામે ચાલુ વર્ષે ૮ ઓકટોબર સુધીમાં સ્વાઇનફ્લૂના કુલ ૩રર કેસ નોંધાઇને કુલ ર૮ દર્દીના મૃત્યુ થયા છે. એટલે સિઝનલ સ્વાઇન ફ્લૂ તરીકે જાહેર થયેલા સ્વાઇન ફ્લૂ માટે તંત્ર જાગૃત છે. પરંતુ હજુ સુધી આ રોગ બેકાબૂ બન્યો નથી.