(એજન્સી) ભોપાલ,તા.૧
મધ્યપ્રદેશના કાત્ની જિલ્લામાં એમ્બ્યુલન્સ ઉપલબ્ધ ન રહેતા ગર્ભવતી મહિલા ૨૦ કિલોમીટર સુધી ચાલવા મજબૂર બની હતી તેમજ રસ્તા પર જ બાળકને જન્મ આપ્યો હતો. નવજાત બાળકી જન્મતાવેંત મૃત્યુ પામી હતી.
બરમાની ગામની રહેવાસી ગર્ભવતી બીનાને પીડા થતાં તેેના પરિવારજનોએ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પર એમ્બ્યુલન્સ માટે ફોન કર્યો હતો પરંતુ એમ્બ્યુલન્સ સમયસર ન આવતાં બીના પતિ સાથે ચાલતા હેલ્થ સેન્ટર જવા મજબૂર બની હતી. બાર્હી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પહોંચવા બીના ૨૦ કિમી સુધી ચાલી હતી. તે બાર્હી શહેર પહોંચી ગઈ હતી. પરંતુ પોલીસ સ્ટેશન નજીક જ પ્રસૂતિ થઈ ગઈ હતી. પરિવારજનોના જણાવ્યા મુજબ નવજાત બાળકી ભોંય પર પટકાતાં મૃત્યુ પામી હતી. જ્યારે જિલ્લાના આરોગ્ય અધિકારી અશોક અવધીયાના જણાવ્યા અનુસાર ગર્ભાવસ્થાના સાત મહિનાના અધૂરા માસ દરમ્યાન બાળકીનો જન્મ થતાં મૃત્યુ પામી હતી. એમ્બ્યુલન્સ વિશે પૂછતા અશોકે જણાવ્યું હતું કે, બાર્હી હેલ્થ સેન્ટર પર એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ નથી. ગર્ભવતી મહિલા માટે ફાળવાયેલ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા જનાની એક્સપ્રેસ અમારા નિયત્રંણ હેઠળ નથી. તે ભોપાલ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.