અમદાવાદ, તા.૧૯
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ તા.ર૪ ફેબ્રુઆરીએ અમદાવાદ આવી રહ્યા છે, ત્યારે સૌપ્રથમ તેઓ ગાંધી આશ્રમની મુલાકાત લેવાના છે, ત્યારે ગાંધી આશ્રમમાં પૂરજોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દરમિયાન આશ્રમમાં જ્યાં ગાંધીજીની પ્રતિમા છે, ત્યાં ગાર્ડનમાં ઘાસ લગાવવા તૈયાર ઘાસ એટલે કારપેટ લોન લગાવવાનું કામ શરૂ કરી દેવાયું છે. સ્થળ તપાસણી કરતા જાણવા મળ્યું હતું કે, આશ્રમમાં ગાર્ડનમાં મૂકેલી ગાંધીજીની પ્રતિમા પાસે ઘાસ લગાવવા માટે વલસાડથી કારપેટ લોન મંગાવાયું હતું. પ્રતિમા નજીક ૪૦૦ સ્કવેર ફૂટ વિસ્તારમાં આ કારપેટ લોન લગાવવાની કામગીરી બુધવારે શરૂ કરી દેવાઈ હતી. જેમાં કારપેટ લોનની ર૦૦ શીટનો ઉપયોગ કરાશે. તદ્‌ઉપરાંત ગાંધી આશ્રમમાં સ્ટેજ સહિત કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે.