અમદાવાદ,તા. ૨૩
મોંઘવારી અને ભાવવધારાને લઇ કોંગ્રેસપક્ષ દ્વારા આજે ભાજપ અને તેના શાસિત સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. બહોત હુઇ મંહગાઇ કી માર, બસ કરો મોદી સરકારનો ટોંણો મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, અચ્છે દિનના વાયદા સાથે કેન્દ્રમાં સત્તા મેળવનાર મોદી સરકારે દેશ અને ગુજરાતના લાખો પરિવારો સાથે છેતરપીંડી આચરી છે. ગરીબ અને મધ્યમ વર્ગ માટે તુવેર, મગ કે અડદ દાળ ખાવી મુશ્કેલ બની છે ત્યારે કૃત્રિમ ભાવવધારો સર્જનાર ભાજપ સરકાર પ્રજાને જવાબ આપે કે, દેશના નાગરિકો પાસેથી રૂ. છ લાખ કરોડ લૂંટનારા કોણ છે? ભાજપની મોંઘવારી અને ભ્રષ્ટ નીતિથી ત્રસ્ત ગુજરાતની પ્રજા આગામી વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપને જડબાતોડ જવાબ આપશે. પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રમાં જયારે કોંગ્રેસની સરકારનું શાસન હતું, ત્યારે રૂ.૬૦થી રૂ.૮૦ના ભાવે દાળ લોકોને ઉપલબ્ધ બનતી હતી પરંતુ ભાજપનું શાસન આવ્યા બાદ મોંઘવારી અસહ્ય અને અકલ્પનીય હદે વધી છે. મોદી સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં તુવેર, મગ અને અડદની દાળના ભાવ રૂ.૧૬૦થી ૨૩૦ સુધી પહોંચાડી દીધા છે. મોદી સરકારના મળતીયાઓ, કાળાબજારીયા અને સંગ્રહખોરો દ્વારા રૂ. છ લાખ કરોડનો ભ્રષ્ટાચાર આચરી આ સુનિયોજીત લૂંટ ચલાવવામાં આવી. મોદી શાસનમાં રેલ્વે પ્લેટફોર્મ ટિકિટના રૂ.૨થી વધારી રૂ.૨૦ કરાયા, રેલ્વેભાડામાં રૂ.૨૫થી લઇ રૂ.૧૨૦૦સુધીનો વધારો ઝીંકાયો, પેટ્રોલ-ડિઝલમાં દોઢ મહિનામાં રૂ.પાંચનો વધારો, ટ્રેનની ટિકિટના કેન્સલેશન ચાર્જમાં વધારો, ગેસ સિલિન્ડરમાં અસહ્ય વધારો ઝીંકી ગરીબ અને મધ્યમ વર્ગ માટે હવે જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. તેમણે ઉમેર્યું કે, મોદી સરકાર સત્તામાં આવ્યાના ત્રણ વર્ષમાં આંતર રાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવમાં ૩૦૦ ટકાનો ઘટાડો થયો તો તેનો લાભ મોદી સરકારે કેમ દેશના નાગરિકોને નથી આપ્યો ? અને અહીં કેમ પેટ્રોલ-ડિઝલના ભાવ ના ઘટાડયા ? રાંધણગેસ જેવી જીવનજરૂરી વસ્તુમાં રૂ.૪૪૧થી રૂ.૭૭૨ સુધી અસહ્ય ભાવવધારો સામાન્ય માણસ કેવી રીતે સહન કરી શકે ? મોંઘવારી અને ભાવવધારાની ખપ્પરમાં હોમાઇ રહેલી જનતાને નૈતિકતાના ધોરણે ભાજપ સરકાર જવાબ આપે, અન્યથા ગુજરાતની જનતા આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જમીનદોસ્ત કરી નાંખતો જોરદાર જવાબ આપશે.