(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.ર
ગુજરાતની ભાજપ સરકાર ફીકસ પગાર, કોન્ટ્રાકટ પ્રથા, આઉટસોર્સિંગના નામે યુવાનોનું શોષણ કરી રહી છે અને તેઓને તેમના કામ સામે નજીવું વેતન ચુકવવામાં આવે છે ત્યારે આવા કર્મચારીઓના ન્યાય અને અધિકારો માટે લડત આપવા કોંગ્રેસ પક્ષ કટીબધ્ધતાથી કામગીરી કરશે. એમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રેરિત નાગરિક અધિકાર અભિયાનના નેજા હેઠળ અમદાવાદના સરદાર બાગ ખાતે આયોજિત ધરણા સંમેલનને સંબોધન કરતા એઆઈસીસીના મહામંત્રી દીપક બાબરિયાએ જણાવ્યું હતું.
રાજય સરકાર, મ્યુ. કોર્પોરેશન, બોર્ડ, નિગમોમાં કોન્ટ્રાકટ કે આઉટસોર્સિંગથી વર્ષોથી કામ કરનાર કર્મચારીઓ, ડ્રાઈવર/ કંડકટર, મ્યુ. સ્કૂલ બોર્ડના સફાઈ કામદારો, આશાવર્કર, આંગણવાડીની બહેનો તથા વર્ગ ૩-૪-મા વર્ષોથી કામ કરતા કર્મચારીઓનું સતત શોષણ થઈ રહ્યું છે. ગુજરાતની ભાજપ સરકાર ગરીબ અને મધ્યમવર્ગના યુવાનોનું શોષણ કરી રહી છે. કર્મચારીઓ પોતાના હક અને અધિકાર માગે તો તેમને કોઈ પણ નોટિસ વિના નોકરી છીનવી લેવામાં આવે છે. કોન્ટ્રાકટ પ્રથા અને આઉટ સોર્સિંગની એજન્સીઓ કર્મચારીઓને ઓછો પગાર આપીને મોટાપાયે ભ્રષ્ટાચાર કરી રહી છે. ગુજરાતના નાગરિકોને અન્યાય થતો હશે તેમના હક અને અધિકારની લડાઈ નાગરિક અધિકાર અભિયાન દ્વારા સંપૂર્ણ સહયોગ અપાશે. આ સંમેલનમાં કોન્ટ્રાકટ તથા આઉટસોર્સિંગ ઉપર કામ કરતા કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને તેમના પ્રતિનિધિઓએ સરકારની શોષણખોર, અન્યાયી નીતિ વિરુધ્ધ ઉગ્ર રજૂઆતો કરી હતી. આ ઉપરાંત મ્યુનિ. કોંગ્રેસના નેતા દિનેશ શર્મા, પ્રવકતા ડો. મનિષ દોશી, બદરૂદ્દીન શેખ, અશોક પંજાબી, અહેસાન શેખ, ચંદનસિંહ, કોર્પોરેટરો, મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્રીમતી મંદાકિનીબેન પટેલ, મનિષાબેન પરીખ, કલ્પનાબેન સોની, હેતાબેન પરીખ વગેરે હાજ રહ્યા હતા.