જામનગર, તા.૫
રાજ્ય સરકારના મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થી મહિલાઓને બ્યુટી પાર્લરની કિટના બદલે વજનકાંટા પકડાવી દેવામાં આવતા મહિલાઓ વિફરી હતી અને હોબાળો મચાવ્યો હતો.
જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે ગરીબ કલ્યાણ મેળો ટાઉનહોલમાં યોજવામાં આવ્યો હતો. જેમાં કુલ દસ હજારથી વધુ લાભાર્થીઓને વિવિધ ચીજવસ્તુ, રોકડનાં લાભ અપાયા હતા, પરંતુ જામનગર મહાનગરપાલિકાનું આયોજન હોય અને તેમાં સખળ-ડખળ ન થાય તોજ નવાઈ કહેવાય.
મળતી માહિતી મુજબ મહિલાઓને બ્યુટી પાર્લરની કીટ આપવાનું નક્કી કરાયું હતું. રાજ્ય સરકારનાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, મેયર, ધારાસભ્યની ઉપસ્થિતિમાં આયોજિત આ ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પરંતુ મહિલાઓને વિતરણ કરવામાં આવેલી કિટ ખોલીને જોતા તેમાંથી વજનકાંટા, પમ્પ જેવી ચીજવસ્તુઓ નીકળતા મહિલાઓ પણ આશ્ચર્ય ચકિત થઈ ગઈ હતી.આખરે આ મહિલાઓ સેવા સદન કચેરીએ પહોંચી હતી પરંતુ ત્યાં કોઈ અધિકારી હાજર ન હતાં આથી મહિલાઓનું ટોળું ટાઉનહોલ પહોંચ્યું હતું અને હોબાળો મચાવ્યો હતો, આખરે જવાબદારોએ યોગ્ય કરવાની ખાત્રી આપતા મહિલાઓનો ગુસ્સો શાંત થયો હતો.